પોરબંદરે વડવાળા ગામેથી મૃત હાલતમાં નવજાત બાળકી મળી, પોલીસે વધુ તપાસ હાથ ધરી

રાણાવાવ તાલુકાના વડવાળા ગામેથી મૃત હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. જેમાં મળતી માહીતી પ્રમાણે વડવાળા બાયપાસ પાસે આવેલા સ્મશાનની સામે દેવાભાઈની વાડીમાં ભાગીયા તરીકે કામ કરતા નથુ જેઠા કુછડીયા સવારે ખેતરમાં ધાણાના પાકનું વાવેતર કરેલું હોય તેમાં પીયત કરવા માટે જતા હતા. ત્યારે સામેના ભાગે આવેલ વડના ઝાડ નીચે એક નવજાત તાજી જન્મેલી બાળકી પડેલી હતી, જેથી ત્યાં જઈ તપાસ કરતા બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. તેથી નજીકની વાડીવાળા વાલજીભાઈને બોલાવી તેમજ એમના વાડીના માલિક દેવાભાઈને પણ ફોન કરી આ અંગે જાણ કરેલી હતી.
ઘટનાની જાણ થતા દેવાભાઈએ પોલીસને આ અંગે જાણ કરતા રાણાવાવ પોલીસ તથા દેવાભાઈ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી બાળકીના મૃતદેહનો કબજાે લઈ રાણાવાવ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલી હતી. હોસ્પિટલ ખાતે બાળકીને લાવતા અહીં ફરજ પરના ડોક્ટર દ્વારા બાળકીને તપાસ કરતા મરણ થયાનું જાહેર કરવામાં આવેલ હતુ. સમગ્ર ઘટનાને લઈને હાલ તો રાણાવાવ પોલીસે ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. કોઈ અજાણી સ્ત્રી પોતાની બાળકીનો જન્મ છુપાવવાના ઇરાદે મૃતદેહનો છુપી રીતે નિકાલ કરી ગુનો કરેલો હોય જેથી અજાણી સ્ત્રી સામે ગુનો નોંધી રાણાવાવ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments