પોરબંદર જિલ્લામાં દેશી અને વિદેશી દારૂની હેરાફેરી કરતાં બુટલેગરો ઉપર પોલીસે તવાઇ બોલાવવાનું શરૂ કર્યુ છે. રાણાવાવ તાલુકાનાં રાણાબોરડી ગામેથી એક શખ્સને વિદેશી દારૂનાં જથ્થા સાથે ઝડપી લીધા બાદ ઉધોગનગર પોલીસે વનાણા ખાતે રહેતી એક મહિલાનાં રહેણાંક મકાનમાં દરોડો પાડી અને વિદેશી દારૂની ૩૭ર જેટલી બોટલ કબજે કરી હતી અને તેમની કિંમત ૧,૩૦,ર૦૦ જેવી થવા જાય છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા પોલીસવડા ડો.રવિમોહન સૈનીનાં માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ અને જુગારની બદીને નાથવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ઉધોગનગર પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ એસ.એ.સોલંકી , હેડ કોન્સ્ટેબલ સી.જી. મોઢવાડીયા, કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસહ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો એ દરમિયાન એવી હકિકત મળી હતી કે વનાણા ખાતે રહેતી લાખીબેન ભીખુભાઇ કોડીયાતરનાં રહણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડયો હતો.
આ દરમિયાન વ્હીસ્કીના બોકસ નંગ ર૭, બોટલ નંગ ૩૨૪ તેમજ વોટકાના બોકસ નંગ ૪, બોટલ નંગ૪૮ મળી કુલ ૩૭૨ વિદેશી દારૂની બોટલ જેની કિંમત ૧,૩૦,ર૦૦ જેવી થવા જાય છે. આ દરોડા દરમિયાન કનુ ભીખુ કોડીયાતર મળી આવ્યો ન હતો. પોલીસે મહિલા સહિત બે શખ્સો સામે ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments