પોલીસ ટીમો કાળા નાણાંની હેરાફેરી થવાની શક્યતાને પગલે છે સતર્ક

મુંબઈથી આવેલાં દંપતી પાસેથી રોકડા ૫૭ લાખ મળ્યા, પ્રોપર્ટી ખરીદવા લાવ્યા હોવાનો દાવો
વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે કાળા નાણાંની હેરાફેરી થવાની શક્યતાને પગલે પોલીસ ટીમો સતર્ક છે અને તમામ સ્થળે શંકાસ્પદ લોકોની તપાસ હાથ ધરવામાં આવી છે. કાલુપુર રેલવે સ્ટેશનથી બહાર નીકળતી વખતે રેલવે એસઓજીની ટીમે એક સિનિયર સિટીઝન દંપતીને અટકાવી તેમની બેગની તલાશી લેતા તેમાંથી રૂપિયા ૫૭ લાખ રોકડા મળી આવ્યા હતા. જેના પગલે પોલીસ ટીમે દંપતીને પોલીસ મથકમાં લઈ જઈ વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે આ અંગે ઈન્કમટેક્સ વિભાગને જાણ કરી હતી. રેલવે એસઓજીના પીઆઈ સંદીપ વસાવાએ જણાવ્યું કે, બપોરે લગભગ શતાબ્દી એક્સપ્રેસ મુંબઈથી અમદાવાદ પહોંચી હતી. ત્યારે ટ્રેનમાંથી ઉતરી પ્લેટફોર્મ નંબર ૧ પર ગેટ નંબર ૩થી બહાર નીકળતી વખતે ત્યાં ફરજ પર હાજર એસઓજીની ટીમે શંકાના આધારે દંપતીને અટકાવ્યું હતું.
ત્યારબાદ તેમના બેગની તલાસી લેતા તેમાંથી રોકડા રૂપિયા મળી આવ્યા હતા. જેના આધારે તેમને પોલીસ મથકમાં લાવી પૂછપરછ કરતા વડીલનું નામ અમિત શાહ (ઉ. વ. ૬૧, રહે. મુંબઈ) હોવાનું અને તેમની સાથે તેમના પત્ની હોવાનું જાણવા મળ્યું હતું. રોકડા રૂપિયા અંગે પૂછતા તેમણે જણાવ્યું કે, તેઓ અમદાવાદમાં સેટેલાઈટમાં પ્રેરણા તીર્થ ખાતે પ્રોપર્ટીની ખરીદી કરવા આવ્યા છે અને તેના માટે જ તેઓ રોકડા રૂપિયા સાથે લઈને આવ્યા છે. આ માહિતીના આધારે પોલીસ ટીમે જાણ કરતા ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા અને તેમણે પણ રૂપિયા અંગે તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, ચૂંટણીમાં કાળા નાણાંનો ઉપયોગ કે હેરાફેરી રોકવા માટે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કોલ સેન્ટર શરૂ કર્યું છે. આ કોલ સેન્ટરમાં રોજના ૨૦થી ૨૫ કોલ આવે છે. બહારથી પણ આઈટી અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે.
Recent Comments