પ્રથમ ટેસ્ટમાં ભારતનો ઇંગ્લેન્ડ વિરુદ્ધ શરમજનક પરાજયઃ સિરીઝમાં ૧-૦થી આગળ ચેપોકમાં ‘વિરાટ સેના’નું સરેન્ડરઃ ઇંગ્લેન્ડનો ૨૨૭ રને વિજય
ઇંગ્લેન્ડના ૪૨૦ રનના લક્ષ્યાંક સામે ભારત ફક્ત ૧૯૨ રનમાં જ ઓલઆઉટ, કોહલીએ સૌથી વધુ ૭૨ રન ફટકાર્યા, ગિલની ફિફ્ટી, રહાણે-પૂજારા,પંત ફ્લૉપ, ૨૨ વર્ષ બાદ ભારત ચેન્નાઇમાં હાર્યું
એન્ડરસનનો તરખાટઃ એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી ભારતની કમર તોડી નાંખી, સ્પિનર લિચે સૌથી વધુ ૪ વિકેટ ઝડપી, ઇંગ્લેન્ડ ૮ વર્ષ પછી ભારતમાં ટેસ્ટ જીત્યું
બેવડી સદી ફટકારનાર રૂટ મેન ઓફ ધ મેચઃ બીજી ટેસ્ટ ચેન્નાઇમાં ૧૩ ફેબ્રુઆરીથી રમાશે
ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય ટીમ ઘરમાં જ ઢેરઃ પત્તાની જેમ ધરાશાયી
જેક લીચ (૪ વિકેટ) અને જેમ્સ એન્ડરસન (૩ વિકેટ)ની શાનદાર બોલિંગની મદદથી ઈંગ્લેન્ડે મંગળવારે પહેલી ટેસ્ટના પાંચમાં અને અંતિમ દિવસે ભારતને ૨૨૭ રનના વિશાળ અંતરથી હરાવી દીધું. ભારતને ૨૨ વર્ષ બાદ ચેન્નઈમાં ટેસ્ટ મેચમાં હાર મળી. છેલ્લીવાર તે ૧૯૯૯માં પાકિસ્તાન સામે ચેપોકમાં મેચ હાર્યું હતું. જ્યારે ઈંગ્લેન્ડે ચેન્નઈમાં ભારતને ચોથી વખત હરાવ્યું છે. આ પહેલા બંને વચ્ચે અહીં ૯ ટેસ્ટ રમાઈ છે, જેમાં ભારતે ૫ અને ઈંગ્લેન્ડે ૩ મેચ જીતી જ્યારે એક મેચ ડ્રો રહી હતી. ભારતીય ટીમના બેટ્સમેનો મોટી ઇનિંગ્સ રમવામાં સદંતર નિષ્ફળ નિવડ્યા હતા. પ્રથમ ઇનિંગ્સમાં ડબલ સેન્ચુરી ફટકારનાર જાે રુટને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમ ચાર વર્ષ બાદ ઘરેલૂ ટેસ્ટ મેચ હારી છે. આ પહેલાં ૨૦૧૭માં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
જણાવી દઈએ કે ટોસ જીતીને પહેલા બેટિંગનો ર્નિણય કરનાર ઈંગ્લેન્ડની ટીમે પહેલી ઈનિંગ્સમાં ૫૭૮ રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ પહેલી ઈનિંગ્સમાં ૩૩૭ રન બનાવ્યા હતા. આવી રીતે મહેમાન ટીમને ૨૪૧ રનની લીડ મળી હતી. બાદમાં બીજી ઈનિંગ્સમાં ઈંગ્લેન્ડે ૧૭૮ રન બનાવ્યા હતા અને ભારતને ૪૨૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો.
મંગળવારે બીજા સેશનમાં ૫૮.૧ ઓવરમાં ભારતની ટીમ ૧૯૨ રને ઓલઆઉટ થઈ ગઈ હતી. જાે રૂટને મેચમાં બેવડી સદી ફટકારવા માટે મેન ઓફ ધ મેચ પસંદ કરાયો હતો. આ સાથે જ ઈંગ્લેન્ડે ચાર મેચોની સીરિઝમાં ૧-૦થી લીડ મેળવી લીધી છે. સીરિઝની બીજી મેચ ચેપોક સ્ટેડિયમમાં જ ૧૩ ફેબ્રુઆરીએ રમાવાની છે.
૪૨૦ રનના વિશાળ લક્ષ્યનો પીછો કરી રહેલી ટીમ ઈન્ડિયાએ મંગળવારે ૩૯/૧ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. પાંચમા દિવસની શરૂઆત ભારત માટે ખૂબ ખરાબ રહી. ચેતેશ્વર પુજારાને જેક લીચે સ્ટોક્સના હાથે કેચ આઉટ કરાવ્યો. શુભમન ગિલ પોતાની ત્રીજી અડધી સદી પૂરી કરી હતી, પરંતુ તે મોટી ઈનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો.
જેમ્સ એન્ડરસને ફરી ટીમ ઈન્ડિયાને એક બાદ એક ઝટકા આપતા ઈંગ્લેન્ડની પકડ મેચમાં મજબૂત બનાવી દીધી. એન્ડરસને સૌથી પહેલા ગિલને ક્લીન બોલ્ડ કર્યો. ગિલે ૮૩ બોલમાં ૭ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૫૦ રન બનાવ્યા હતા. આ બાદ અજિંક્ય રહાણે ખાતું ખોલાવી શક્યો નહોતો અને ક્લીન બોલ્ડ થયો હતો. બાદમાં એન્ડરસને રિષભ પંતને પણ કેચ આઉટ કરાવી દીધો.
હવે શ્રેણીમાં કમબેક કરવું ભારત માટે મુશ્કેલ પડકાર છે. વળી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશ પણ જાેખમ હેઠળ છે.
ઇંગ્લેન્ડની ટીમે ૮ વર્ષ પછી ભારતમાં ટેસ્ટ જીતી છે. તેમણે છેલ્લે ભારતને ડિસેમ્બર ૨૦૧૨માં ઈડન ગાર્ડન્સ ખાતે માત આપી હતી. તે પછી ભારતમાં બંને દેશ વચ્ચે ૬ ટેસ્ટ રમાઈ હતી, જેમાંથી ૪ ભારત જીત્યું અને ૨ ટેસ્ટ ડ્રો રહી.
Recent Comments