અમરેલી

પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત અમરેલીના લાભાર્થી ધનજીભાઈ મકવાણાને કુલ ત્રણ હપ્તામાં રૂ.૩.૫ લાખની સહાય મળી

ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૫-૨૦૧૬થી પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેનો ઉદ્દેશ ગ્રામીણ અને શહેરી કુટુંબોને મૂળભૂત સુવિધાઓ ધરાવતા મકાનો બાંધવા માટે લાયક ગ્રામીણ અને શહેરી કુટુંબોને સહાય પ્રદાન કરવાનો છે. પીએમએવાય હેઠળ પાત્રતા ધરાવતા ગરીબ પરિવારોને સરકારી સહાય પ્રાપ્ત થતાં ઘરના ઘરનું સપનું સાકાર થઇ રહ્યું છે. બહારપુરા શહેરી વિસ્તાર અમરેલી ખાતે સામાન્ય પરિવારમાં જન્મેલા શ્રી ધનજીભાઈ ખોડાભાઈ મકવાણાનો પરિવાર સામાન્ય જીવન જીવે છે. શ્રી ધનજીભાઈ પાસે કાચું મકાન હતુ. ચોમાસાની સીઝન દરમિયાન તેમના પરિવારને અનેક હાડમારીઓ અને તકલીફોનો સામનો કરવો પડતો હતો. છતમાંથી પાણી ટપકતું હતુ. વર્ષ ૨૦૧૮-૧૯માં શ્રી ધનજીભાઈને જાણકારી મળી કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત સરકાર ગરીબોને પાકા આવાસ બાંધકામ માટે સહાય કરી રહી છે. શ્રી ધનજીભાઈએ પીએમએવાય અંતર્ગત સહાય માટે અરજી કરી. શ્રી ધનજીભાઈના પરિવારને કુલ મળીને રૂ. ૩.૫ લાખની સહાય મળતા તેમના પરિવારનું ઘરના ઘરનું સપનું સાકાર બન્યુ છે.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત લાભાર્થી શ્રી ધનજીભાઈને કુલ ત્રણ હપ્તામાં સહાય મળી હતી. દુખદ ઘટના એવી બની કે, પાકા મકાનના બાંધકામ સમયે શ્રી ધનજીભાઈને હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થયું. શ્રી ધનજીભાઈના દીકરા શ્રી હિતેષભાઈ મકવાણા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, મારા પિતાનું એક સપનું હતુ કે,મારા બાળકો અને પરિવાર માટે હું મારી હયાતીમાં પાકું ઘર બનાવું. ભારત સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત શ્રી ધનજીભાઈ હયાત હતા ત્યારે જ તેમના પાકા ઘરના ઘરનું બાંધકામ શરૂ થયુ હતુ. શ્રી હિતેષભાઈએ વધુમાં જણાવ્યું કે, અમારો પરિવાર ગરીબ છે. સરકારે અમને પાકા આવાસ બાંધકામ માટે સહાય કરી છે એ બદલ હું અને મારો પરિવાર સરકારની આભારી છીએ.પ્રધાનમંત્રી આવાસ યોજના થકી વંચિત અને ગરીબ પરિવારને સરકારી સહાય મળી રહી છે. ગરીબ પરીવારોના કાચા આવાસ ભૂતકાળ બની રહ્યા છે. સરકારી સહાય થકી ગરીબોના મકાન હવે પાકા બન્યા છે.

Related Posts