fbpx
ભાવનગર

‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ અંતર્ગત રાશન કીટનું મંત્રી અને મહાનુભાવોના હસ્તે અંત્યોદયકાર્ડ ધારકોને વિતરણ

તા.૧લી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ‘સુશાસનના પાંચ વર્ષ’ ના સુશાસનના સેવાયજ્ઞના કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. 

 તે અંતર્ગત આજે ભાવનગર જિલ્લામાં ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાનો ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ કાર્યક્રમ ‘ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ’  સરદારનગર ખાતે તેમજ ૧૩ વોર્ડમાં તથા જિલ્લાના તાલુકા સ્થળોએ ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ ના કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં.

ભાવનગરના ‘ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ’  સરદારનગર ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં આદિજાતિ, વન મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે, સૌને અન્ન- સૌને પોષણ અન્વયે આજે રાજ્યની ૧૭,૦૦૦ વ્યાજબી ભાવની દુકાન ઉપરની વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવનાર છે.

વન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે, વર્તમાન સરકાર શોષિતો, વંચિતો,પીડિતોની સરકાર છે. છેવાડાના માનવીને સંવેદનશીલતાથી ચિંતા કરનારી સરકાર છે.

આથી જ આજે ગરીબોના ઘરે ચૂલો સળગતો રહે અને રાજ્યનો એક પણ નાગરિક ભૂખ્યો ન સુવે તે માટે તેમના જઠરાગ્નીને શાંત કરવાં માટેની ચિંતા અને ચિંતન વર્તમાન સરકારે કરીને આજથી ગરીબ નાગરિકોને દર મહિને પાંચ કિલો અનાજ વિનામૂલ્યે વિતરીત કરવાનું નક્કી કર્યું છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે કોરોનાના કપરાકાળમાં પણ રાજ્યના ૬૮.૮૦ લાખ કુટુંબના ૩.૩૬ કરોડ લોકોને ત્રણ મહિના સુધી મફત અનાજ પુરું પાડ્યું હતું.

માત્ર રાજ્યના નાગરિકોને જ નહીં પરંતુ રાજ્ય બહારના પરપ્રાંતિયોને પણ અનાજ પુરું પાડ્યું હતું તેમ જણાવી તેમણે કહ્યું કે, ભાવનગર જિલ્લામાં પણ આજથી ૭૦૪ વ્યાજબી ભાવની દુકાનો પરથી ૨૬,૧૮૪ કાર્ડ ધારકોને અને તે દ્વારા ૩,૨૦,૯૬૫ લોકોને આજથી પ કિલો અનાજ મળવાની શરૂઆત થવાની છે.

‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ અંતર્ગત રૂા.૧,૯૯૭ કરોડનું અનાજ પૂરું પાડવામાં આવશે તેમ જણાવી તેમણે કહ્યું કે, ‘વન નેશન- વન કાર્ડ’ દ્વારા તમામ જરૂરિયાતમંદ લોકોને અનાજ મળે તે માટેની ચિંતા રાજ્ય સરકારે કરી છે.

તેમણે કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યાંરથી વડાપ્રધાન બન્યાં છે ત્યારથી ગુજરાત રાજ્યના વિકાસના દ્વાર ખુલી ગયા છે. ગરીબો માટે અનાજની ઉપલબ્ધ બનાવવાં માટે વડાપ્રધાનશ્રીએ વર્ષઃ૨૦૦૬માં જ ‘નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ’ ની શરૂઆત કરાવી હતી.

વડાપ્રધાનશ્રીએ અનેક કલ્યાણકારી યોજનાઓ દ્વારા રાજ્યહીતકારી નિર્ણયો કર્યા છે તેમ જણાવી તેમણે કહ્યું કે, તેઓએ વડાપ્રધાનશ્રી તરીકે શપથ ગ્રહણ કર્યાના સોળમાં દિવસે જ નર્મદા ડેમના દરવાજા મૂકવાની મંજૂરી આપી દીધી હતી. જેના લીધે આજે સૌરાષ્ટ્રની કચ્છ સુધી નર્મદાના નીર પહોંચાડવાનું શક્ય બન્યું છે.

દેશના ૯ કરોડ ખેડૂતોને ૧૮,૦૦૦ કરોડ રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી ખેડૂતોના ખાતામાં  ટ્રાન્સફર કર્યા છે. એમાં ગુજરાતના ૫૧ લાખ ખેડૂતોને રૂા. ૧,૦૦૦ કરોડનો લાભ મળ્યો છે. ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડી છે. છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ યોજનાઓ હેઠળ રૂા.૩૩,૦૦૦ કરોડ રૂપિયા ખેડૂતના ખાતામાં ડી.બી.ટી. થી જમા થયાં છે.

તાઉ’તે વાવાઝોડા દરમિયાન વડાપ્રધાનશ્રીએ સૌ પ્રથમ ભાવનગરની મુલાકાત લીધી હતી અને ખેતીના નુકસાન માટે તથા અન્ય નુકસાન માટે રૂા.૧,૦૦૦ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. કોરોનાકાળમાં ૩૩ સ્થળોએ ૧,૭૦૦ ધન્વન્તરિ રથ દ્વારા ૨.૫ કરોડ લોકોને ઓ.પી.ડી. ની સેવા પૂરી પાડવામાં આવી છે, જેની નોંધ વિશ્વ આરોગ્ય સંગઠને પણ લીધી છે.

તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ રાજ્યને ઉત્તમ થી સર્વોત્તમ બનાવવાની કોશિશ કરી રહ્યાં છે. મા અમૃતમ, વાત્સલ્ય યોજના દ્વારા રાજ્યના ૩ કરોડ લોકોને લાભ મળ્યો છે. આ યોજનાઓ અંતર્ગત રૂા. ૭,૦૦૦ કરોડના બિલ રાજ્ય સરકારે ચૂકવ્યાં છે.

ભૂમાફિયાઓ નાના અને સીમાંત ખેડૂતોની જમીન હડપ કરી જતાં હતાં. તેમાંથી રક્ષણ અપાવવાં રાજ્યમાં કડક ‘લેન્ડ ગ્રેબિંગ એક્ટ’ અમલી બનાવ્યો છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, આજના દિવસે નવો ઇતિહાસ સર્જવા જઇ રહ્યો છે. દર મહિને ૩.૫ કિલો ઘઉં અને ૧.૫ કિલો ચોખા ઉપરાંત વડાપ્રધાનશ્રીએ આ નવી શરૂઆત કરવા જઈ રહ્યાં છે તે આનંદની વાત છે.

તેમણે કહ્યું કે, રાજ્ય શાસનનો હિસાબ આપવાનો આ સેવાયજ્ઞ છે. ‘વન નેશન- વન રેશન કાર્ડ યોજના’ દ્વારા અન્ય જિલ્લા, રાજ્યમાં રાશન મળે અને તે દ્વારા કોઈ ભૂખ્યું ન સૂઇ જાય એવી ગરીબ કલ્યાણકારી યોજનાની આજે વડાપ્રધાનશ્રી દ્વારા શરૂઆત થઇ રહી છે.

ગરીબોના ઘરે કલ્યાણનો દીપ પ્રગટે તેવી ગરીબ કલ્યાણકારી યોજનાઓ વડાપ્રધાને સંવેદનશીલતાથી શરૂ કરીને ‘જ્યાં અનાજનો ટૂકડો, ત્યાં હરિ ઢૂંકડો’ એ ઉક્તિને ખરા અર્થમાં ચરિતાર્થ કરી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

જિલ્લા કલેકટરશ્રી યોગેશ નીરગુડેએ સ્વાગત પ્રવચન કરતાં કહ્યું કે, જિલ્લાના દરેક સસ્તા અનાજની દુકાન પરથી ઓછામાં ઓછા ૫૦ લોકોને ૩.૫ કિ.ગ્રા. ઘઉં અને ૧.૫ કિ.ગ્રા.ચોખા એમ કુલ ૫ કિ.ગ્રા. અનાજ આજે વિતરિત કરવામાં આવનાર છે.

આનાથી સામાન્ય થી અતિ સામાન્ય લોકોને પણ લાભ મળવાનો છે તેમ જણાવી તેમણે રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી અનેક ઘરોમાં ચૂલો પ્રજ્વલિત થઇ સંતોષનો ઓડકાર લાવશે તેમ ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યમાં ૧૭ હજાર પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર દ્વારા ૪,૨૫,૦૦૦ અંત્યોદય પરિવારોને વ્યક્તિ દીઠ ૫ કિલો અનાજ પૂરું પાડવાની શરૂઆત વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવી છે.

આ અવસરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલ રીતે ગુજરાતના વિવિધ લાભાર્થીઓ સાથે સંવાદ કરીને ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ ની શરૂઆત કરાવી હતી.

વન મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ભાવનગરના લાભાર્થીઓને ૫ કિલો અનાજની રાશન બેગ વિતરીત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એમ.એ.ગાંધી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જિલોવા, શહેર પ્રમુખશ્રી રાજીવભાઈ પંડ્યા,  દંડકશ્રી પંકજસિંહજી, ભાજપના અગ્રણી સર્વશ્રી અરૂણભાઈ પટેલ, શ્રી ડી.બી.ચુડાસમા, શ્રી યોગેશભાઈ બદાણી, શ્રી યુવરાજસિંહ ગોહિલ સહિતના પદાધિકારીશ્રીઓ-મહાનુભાવો તેમજ જિલ્લા વહીવટી તંત્રનાં અધિકારીશ્રીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

Follow Me:

Related Posts