પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ચામુંડા આજીવિકાજૂથના શ્રી રાધિકાબેન ઉમેશભાઈ જાની સાથે સંવાદ સાધ્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચુઅલ ઉપસ્થિતિમાં તા.૧૧.૦૩.૨૦૨૪ના રોજ દિલ્લી સ્થિત ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિયુટ ખાતે દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ સાથે જોડાયેલ સ્વ સહાય જૂથના માધ્યમથી પોતાના જીવનમાં આગવી ઓળખ ઊભી કરનાર “લખપતિ દીદી” સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
પ્રધાનમંત્રીશ્રીએ દેશની લખપતિ દીદીઓ સાથે સંવાદ કર્યો હતો. ગુજરાત રાજ્યમાંથી વિવિધ જિલ્લાઓની ૨૦ બહેનોની પસંદગી થઈ હતી, આ ૨૦ બહેનોમાં બાબરા તાલુકાના વાંડળિયા ગામના ચામુંડા આજીવિકા જૂથના બહેન શ્રી રાધિકાબેન ઉમેશભાઈ જાનીનો પણ સમાવેશ થતો હતો. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચામુંડા આજીવિકા જૂથના બહેન શ્રી રાધિકાબેન ઉમેશભાઈ જાની સાથે સંવાદ સાધ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, શ્રી રાધિકા બહેને સંવાદ દરમિયાન સ્વ સહાય જૂથમાં જોડાઈને સમગ્ર જૂથને પ્રાપ્ત થયેલ લાભ વિષયક વિગતો જણાવી અન્ય મહિલાઓને પણ સ્વ સહાય જૂથ પ્રોત્સાહિત કરી હતી. જૂથને પ્રાપ્ત થયેલ રિવોલ્વીંગ ફંડ રુ. ૧૫ હજાર, કેશ ક્રેડિટ લોન રુ. ૧ લાખ ઉપરાંત કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ રુ. ૭૦ હજાર માંથી આંતરિક ધિરાણ મેળવી ભરત ગુંથણ, ઇમિટેશન જ્વેલરી, ચણીયા ચોળી, મોતીની વિવિધ વસ્તુઓ બનાવવાનું શરુ કર્યું હતું.
શ્રી રાધિકા બહેન આ તમામ વસ્તુઓ બનાવીને તે વસ્તુઓને રાષ્ટ્રીય તથા રાજ્ય કક્ષાએ આયોજિત થતાં મેળાઓમાં વેચાણ અર્થે મૂકી હતી અને તેમાંથી વાર્ષિક રુ. ૨ થી રુ.૩ લાખની કમાણી થઇ રહી છે તે બાબત પણ તેમણે અન્ય મહિલાઓને ધ્યાને મૂકી આર્થિક રીતે પગભર થવા માટે પ્રેરણા પૂરી પાડી હતી.
શ્રી રાધિકા બહેન પોતાના ગામની આસપાસના ગામડાઓમાં પણ બહેનોને વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવા માટે આપે છે, જેના થકી અંદાજે ૬૦ જેટલી મહિલાઓને પણ આવક માટેનો એક સ્ત્રોત મળી રહ્યો છે. બહેનોને મદદ પૂરી માડીને તેમને આગળ લાવવા બદલ પ્રધાનમંત્રીશ્રીએ શ્રી રાધિકા બહેનને ઉમદા કાર્ય માટે અભિનંદન આપ્યા હતા અને તેમની કામગીરીને બિરદાવી હતી. પ્રધાનમંત્રીશ્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ બહેનોને શ્રી રાધિકા બહેનમાંથી પ્રેરણા લેવા માટે આહ્વાન કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, ભારતમાં અત્યાર સુધીમાં અંદાજે ૧ કરોડ જેટલી બહેનો લખપતિ દીદી બની છે. જ્યારે આગામી ત્રણ વર્ષમાં ૩ કરોડ બહેનોને લખપતિ દીદી બનાવવાનું લક્ષ્યાંક છે.
જિલ્લામાં ૨૫૪ સ્થળેથી અંદાજે ૩,૩૬૫ બહેનો દ્વારા આ કાર્યક્રમને લાઈવ નિહાળવામાં આવ્યો હતો. જિલ્લામાં ૫૯૬ લખપતિ દીદી બહેનોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૦ સ્વ સહાય જૂથોને રુ. ૩ લાખ રિવોલ્વીંગ ફંડ, ૨૮ સ્વ સહાય જૂથોને રુ. ૪૨ લાખ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ૭૦૮ સ્વ સહાય જૂથોને રુ. ૧૭.૭૧ લાખ, સ્ટાર્ટર ઉપ ફંડ ૮૪ ગ્રામ સંગઠનોને રુ. ૬૩ લાખ સ્ટાર્ટર ઉપ ફંડ, ૧૦ ક્લસ્ટર લેવલ ફેડરેશનને રુ. ૩૮.૫ લાખ સ્ટાર્ટર ફંડ, ૪૮૯ સ્વ સહાય જૂથોને રુ. ૭૩૩.૫ લાખની કેશ ક્રેડિટ લોનને મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લામાં નાના ગોખરવાળા ગામના શ્રીજી સખી મંડળના શ્રી ભાવનાબેન ગોંડલિયાને ઇફ્કોમાંથી, બગસરા તાલુકાના હડાળા ગામના ઘનશ્યામ આજીવિકા જૂથમાંથી મનીષાબેન વઘાસિયાને જી.એન.એફ.સીમાંથી ડ્રોન પ્રાપ્ત થયું છે. સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામના સૂર્યા સખી મંડળના તરુણાબેન દેવાણી કે જેમણે ડ્રોનની તાલીમ મેળવી છે તેમને આગામી ટુંક સમયમાં ડ્રોન પ્રાપ્ત થશે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા કક્ષાએ ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત નિયામક શ્રી ડી.આર.ડી.એ તથા એન.આર.એલ.એમ. ટીમે જહેમત ઉઠાવી હતી તેમ સિનીયર જનરલ મેનેજરશ્રી – વ – અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ નિયામકશ્રી એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments