fbpx
અમરેલી

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અન્વયે જાફરાબાદના ૧૬ માછીમારોને રુ.૮૩ લાખની સહાય ચૂકવવામાં આવી

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “સાગર પરિક્રમા યાત્રા-૨૦૨૨” ‘ક્રાંતિ સે શાંતિ-દ્વિતીય ચરણ’ એ માછીમારોના કલ્યાણ અર્થે યોજવામાં આવી છે ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર સ્થિત કામનાથ મહાદેવ મંદિર નજીક આવેલા સમૂહ લગ્ન મેદાન ખાતે માછીમારોના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે માછીમારોના કલ્યાણ અર્થે કાર્યક્રમ સંપન્ન થયો હતો.  કેન્દ્ર અને રાજ્ય સરકારની મત્સ્ય ઉદ્યોગ કલ્યાણકારી યોજનાઓનો લાભ માછીમારોને મળી રહે એવા ઉમદા હેતુથી આ યાત્રા યોજવામાં આવી છે. આ કાર્યક્રમમાં મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાની ઉપસ્થિતિમાં માછીમારોને  પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત મરીન એન્જિનની ખરીદી સહિત વિવિધ સહાયના વિવિધ લાભો હાથોહાથ આપવામાં આવ્યા.

મહાસાગરો એ ઘણું મોટું ઇકો સિસ્ટમ છે, જે પૃથ્વીના લગભગ ત્રણ ચતુર્થ ભાગને આવરી લે છે. જે આજીવિકા, વાણિજ્ય અને સુરક્ષા જેવા ઉભરતા જટિલ અને આંતરસંબંધિત વિકાસના મુદ્દાઓ માટે વિશાળ ક્ષેત્ર પ્રદાન કરે છે. કાર્યક્રમમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અન્વયે જિલ્લાના ૨૯૭ માછીમાર લાભાર્થીઓને રુ.૭ કરોડ ૯૦ લાખની સહાય ચૂકવવામાં આવી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અન્વયે જાફરાબાદના ૧૬ માછીમારોને કુલ રુ.૮૩ લાખની સહાયનો લાભ આપવામાં આવ્યો છે.

મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યુ કે, ભારત સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી છે, આ ભારત સરકારની વ્યવસ્થા છે. સરકાર તમામ માટે વિચારીને યોજનાઓ લાવે છે અને તેનું અમલીકરણ થાય છે. આજે માછીમાર ભાઈઓને ધિરાણ સહિતના લાભો મળતા થયા. આ ઉપરાંત કલ્પસર અને મત્સ્યોદ્યોગ, નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીએ પણ કાર્યક્રમમાં સંબોધન કરતા ઉમેર્યુ કે, વિવિધ યોજનાઓનો લાભ માછીમાર ભાઈઓને ઝડપથી પ્રાપ્ત થાય એ દિશામાં પણ રાજ્ય સરકાર સક્રિય છે.

ભારત સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી,સૂચના અને પ્રસારણ મંત્રાલય રાજ્યમંત્રીશ્રી ડૉ. એલ. મુરુગન, કલ્પસર અને મત્સ્યોદ્યોગ, નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી, સામજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી આર. સી. મકવાણા, સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, ભારત સરકારના મત્સ્યપાલન વિભાગના સચિવશ્રી જે. એન. સ્વેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને  સાગર વિસ્તારના નાગરિકો પણ આ સાગર પરિક્રમા યાત્રાનો હિસ્સો બન્યા હતા.

Follow Me:

Related Posts