પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની એક પેડ મા કે નામ અભિયાનની પહેલને ગ્રામજનોએ વધાવી : ગ્રામજનોએ ૩,૫૦૦ વૃક્ષનું વાવેતર પૂર્ણ કર્યું

અમરેલી જિલ્લાનું એક એવું ગામ છે કે, ત્યાંના ગ્રામજનોએ ૫,૦૦૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે. એટલું જ નહીં વૃક્ષારોપણ માટે આશરે રુ.૧૦ લાખથી વધુનો લોકફાળો એકત્ર કર્યો છે. આશરે ૧,૫૦૦ નાગરિકોની વસ્તી ધરાવતા આ ગામના લોકો વૃક્ષ વાવેતર સાથે તેના જતન માટે પણ પ્રતિબદ્ધ છે.
જિલ્લાના એક નાના એવા ગામમાં વૃક્ષ વૃક્ષ વાવેતરની સાથે જતન માટેનો સંકલ્પ અચૂક આશ્ચર્ય પમાડે તેવો છે. હાલ ગ્રામજનો ખભે ખભો મિલાવી ૩,૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરી ચૂક્યા છે. સાથે જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની એક પેડ મા કે નામ અભિયાન – પહેલને પણ ગ્રામજનોએ વધાવી છે.
આ વૃક્ષ વાવેતર અને જતનનો પુણ્ય સંકલ્પ કર્યો છે, વડીયા-કુંકાવાવ તાલુકાના ખજૂરી ગામે. અહીં આયોજનપૂર્વક ફળાઉ, છાંયાદાર, ઔષધિય સહિતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
ખજૂરી ગામના પૂર્વ ઉપ સરપંચ શ્રી ચતુરભાઈ હિરપરા જણાવે છે કે, અમારા ગામના યુવાનો જે ગામની બહાર ગયા છે અને સમૃદ્ધ પણ થયા છે, તેમનો વતન પ્રત્યે ખૂબ અહોભાવ છે. આવનારી પેઢી માટે ખૂબ જરુરી છે તેવું જળસંચય અને વૃક્ષારોપણનું ખૂબ મહત્વનું કાર્ય તેમના સહયોગથી થઈ રહ્યું છે, જેમાં ગ્રામજનો પણ ઉત્સાહભેર જોડાયા છે.
ગ્રામજનોએ વૃક્ષારોપણ માટે શ્રમ તો ઉપાડ્યો જ છે સાથે જ આર્થિક યોગદાન પણ આપ્યું છે. લોકોએ પોતાના માતા-પિતા સહિતના વડીલોની સ્મૃતિમાં પ્રતિ વૃક્ષ રુ.૮૦૦નું યોગદાન આપ્યું છે. પરિણામે આજે ૩,૫૦૦ જેટલા વૃક્ષનું વાવેતર થઇ ચૂક્યું છે અને આગામી સમયમાં તે ૫,૦૦૦ વૃક્ષ વાવેતરનો સંકલ્પ છે તે પણ વહેલી તકે પૂર્ણ થશે. ગ્રામજનોની મહેનત થકી વાવેતર કરવામાં આવેલું એક પણ વૃક્ષ મુરઝાયું નથી.
તેમણે કહ્યુ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની એક પેડ મા કે નામ અભિયાન – પહેલ અંતર્ગત પણ ખજૂરી ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ખેતીનો આધાર પાણી અને વરસાદ પર છે. ખેડૂત ત્યારે જ સમૃદ્ધ બને જ્યારે તેને પાક માટે પૂરતું પાણી ઉપલબ્ધ હોય. આમ, જો વૃક્ષો હશે તો વરસાદ આવશે અને વૃક્ષો થકી જ ધરતી નંદનવન બનશે.
જળસંચય માટે એક તળાવનું પણ નિર્માણ ખજૂરી ગામે કરવામાં આવ્યું છે. તેનું તાજેતરમાં કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ લોકાર્પણ કર્યું હતું. આ તળાવ નિર્માણમાં ગામના જ ઉદ્યોગપતિ શ્રી ચેતનભાઇ ખાનપરા અને ચેતનભાઇ કાછડીયાનો ખૂબ મોટો સહયોગ રહ્યો હતો.
આ તળાવને ફરતે ફેન્સીંગ અને ડ્રીપ ઇરીગેશન સિસ્ટમ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. શ્રી ચેતનભાઇ ખાનપરા જણાવે છે કે, ખજૂરી ગામમાં જળસંચય અને પર્યાવરણ રક્ષણ માટેના કામ તો થયા છે, પરંતુ ગામનું સમગ્ર વાતાવરણ પણ બદલાયું છે. લોકો જળસંચય અને વૃક્ષારોપણ માટે આગળ આવ્યા તો છે જ પણ ગ્રામજનો પરસ્પર લાગણીના તાંતણે બંધાયા છે. તેઓ કહે છે કે, વતન પ્રત્યે સહજ રીતે લાગણી હોય. તેથી મારા જ ગામના અને મારા મિત્ર શ્રી ચેતનભાઇ કાછડીયાએ ગ્રામજનોના સહયોગથી આવનારી પેઢી માટે પણ ઉપયોગી થઈ પડે તે માટે આ કામ કરવાનું શરુ કર્યું હતું જેમાં ગ્રામજનો પણ તન, મન અને ધનથી જોડાયા. પરિણામે આજે અમારું ગામ રળિયામણા સાથે હરિયાળુ બનવા જઈ રહ્યું છે. આમ, નાનું એવું ખજૂરી ગામ પર્યાવરણ રક્ષણ માટે એક નવી રાહ ચીંધે છે.
Recent Comments