fbpx
અમરેલી

પ્રભારીમંત્રીના હસ્તે અમરેલીના નવયુવાન ધાર્મિક ધોળકિયાએ કોરોનાના રોગની સમજ આપતી ડોક્યુમેન્ટરી ફિલ્મ લોન્ચ કરવામાં આવી

અમરેલી લીલીયા રોડ ખાતેના દાદા ભગવાનના મંદિર (ત્રિમંદીર) ખાતે અન્ન નાગરિક પુરવઠાના  રાજ્યમંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં તથા સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય શ્રી જે.વી. કાકડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિક વેકરીયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મોવલિયાની પ્રેરક ઉપસ્થિતીમાં મારો વોર્ડ-કોરોના મુક્ત વોર્ડ અભિયાનનો જિલ્લા વ્યાપી પ્રારંભ કરાયો હતો.

અમરેલી જિલ્લામાં મારો વોર્ડ-કોરોના મુક્ત વોર્ડ અભિયાનનો શુભારંભ કરાવતા પ્રભારી મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મારું ગામ કોરોના મુક્ત ગામ બાદ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સમગ્ર રાજ્યમાં મારો વોર્ડ-કોરોના મુક્ત વોર્ડ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જે માટે મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓમાં મંત્રીશ્રીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. બીજી લહેરમાં કોરોના કેસોમાં ખૂબ વધારો થયો છે ત્યારે રાજ્ય સરકાર સતત લોકોને તમામ રીતે મદદરૂપ થવા પ્રયત્નશીલ છે.  ત્યારે આપણે સૌ જનપ્રતિનિધીઓ આપણા વોર્ડની ચિંતા કરીએ અને સતત લોકોની વચ્ચે રહી તેમને મદદરૂપ બનીએ. મુખ્યમંત્રીશ્રીની સુચના અનુસાર આપણા વોર્ડમાં ધનવંતરી રથ તથા સંજીવની રથ જે કોઈ સ્થળે જાય ત્યાં ચૂંટાયેલા હોદ્દેદારો અચૂક સાથે રહે અને લોકોને સારવાર અંગે મદદરૂપ થાય. કોવિડના સામાન્ય લક્ષણોમાં જ જો લોકોને તાત્કાલિક સારવાર મળી જશે તો આપણે વહેલાસર કોરોનાને હરાવી શકશું. પ્રારંભિક તબક્કે જો સારવાર ન લેવામાં આવે તો કોરોના વધુ ઘાતક સાબિત થાય છે તેથી શરૂઆતમાં જ આવા લોકોની કાળજી લઈશું તો તેઓ ઘરે રહીને જ સ્વસ્થ થઇ શકશે.

અમરેલી જિલ્લાના ઉપસ્થિત તમામ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અને સભ્યશ્રીઓને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પ્રજાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું ઉત્તરદાયિત્વ છે કે હાલ મહામારી પર અંકુશ મેળવવા કોવિડ લક્ષણો ધરાવતા લોકોને પરિવારથી છૂટા પાડી તાત્કાલિક આઈસોલેટ કરાવે, લોકો વચ્ચે જઈ લોકોને જાગૃત કરે. તમામ જનપ્રતિનિધિઓ એક ટીમ બનાવી વહીવટીતંત્રના સહયોગમાં રહી કોરોનાના લક્ષણો ધરાવતાં લોકોને જુદા તારવશે તો ટૂંકા ગાળામાં જ મારો વોર્ડ-કોરોના મુક્ત વોર્ડ અભિયાન સાર્થક થશે.

ચલાલા નગરપાલિકા દ્વારા લોકોને મફત એમ્બ્યુલન્સની સુવિધા આપવાના નિર્ણયને બિરદાવતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આપત્તિના આવા સમયે જો આવા ભગીરથ કાર્યો થશે તો આપણે સાચા જનપ્રતિનિધિ તરીકે સારું કામ કરી શકીશું. દરેક નગરપાલિકા લોકહિતમાં આવા નિર્ણયો લે તે દિશામાં કામ કરવા અપીલ કરી હતી.

આ પ્રસંગે સાંસદ શ્રી નારણભાઇ કાછડિયાએ જણાવ્યું હતું કે, મારો વોર્ડ-કોરોના મુક્ત વોર્ડ અભિયાન અંતર્ગત દરેક ઘરને કોરોના મુક્ત કરવાની રાજ્ય સરકાર દ્વારા પ્રશંસનિય પહેલ કરવામાં આવી છે. કોરોનાની બીજી લહેર ખૂબ જ ગંભીર નીવડી રહી હતી અને કાબુ બહાર લાગતી સ્થિતીને કોઈપણ જાતના ડર વિના રાત દિવસ સખત મહેનત કરી કાબુમાં લાવવામાં સફળતા મેળવી છે તેવા તમામ ફ્રંટ લાઈન વર્કર્સ, અધિકારીઓ તથા પદાધિકારીઓને અભિનંદન પાઠવું છુ. લોકોને અનુરોધ કરતાં સાંસદશ્રીએ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારના લક્ષણો જણાય તો સહેજ પણ રાહ જોયા વિના કોરોનાની તાત્કાલિક સારવાર શરૂ કરાવે જેટલી વહેલી સારવાર શરૂ થશે આરોગ્યને તેટલી જ ઓછી નુકસાની થશે.

અમરેલી ભાજપ પ્રમુખ શ્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાંથી હાલ સમગ્ર વિશ્વ પસાર થઈ રહ્યું છે. આ મહામારીમાં નરેન્દ્ર મોદી જેવા પ્રધાનમંત્રી આપણને મળ્યા એ આપણું સૌભાગ્ય છે. કોરોનાની બીજી લહેરમાં ગ્રામીણ ક્ષેત્રના દર્દીઓ સંક્રમિત થઈ શહેરોની હોસ્પિટલ તરફ આવવા લાગ્યા. ત્યારે શહેરોની હોસ્પિટલમાં ઘસારો ઘટે તે માટે રાજ્ય સરકાર દ્વારા મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કરવામાં આવ્યું. જેના પરિણામે હવે ગ્રામીણ ક્ષેત્રના લોકો વધુ જાગૃત બન્યા છે. ત્યારે હવે શહેરોમાં પણ કોવિડ સંક્રમણ પર અંકુશ મુકાય તે હેતુથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મારો વોર્ડ-કોરોના મુક્ત વોર્ડ અભિયાનની અભિનવ પહેલ શરૂ કરવામાં આવી છે.

આ તકે પ્રભારીમંત્રીશ્રીના હસ્તે અમરેલીના નવયુવાન ધાર્મિક ધોળકિયાએ કોરોનાના રોગની સમજ આપતી ડોક્યુમેન્ટરી ફિલ્મ લોન્ચ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીનગરથી ખાસ પધારેલા આઈ. એ. એસ. અધિકારીશ્રી શૈલેષભાઇ પ્રજાપતિએ ઉદ્ધબોધન કર્યું હતું તેમજ નગરપાલિકા વિસ્તારોમાં ગ્રાન્ટની ફાળવણી અંગે સમજ આપી હતી.

આ કાર્યક્રમમાં સાવરકુંડલા, જાફરાબાદ, લાઠી, દામનગર, બાબરા, ચલાલા, બગસરા અને અમરેલી નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અને વોર્ડના સદસ્યશ્રીઓ તથા પદાધિકારી/અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા

Follow Me:

Related Posts