fbpx
અમરેલી

પ્રભારીમંત્રીએ અમરેલી સિવિલ હોસ્પિટલ અને રાધિકા હોસ્પિટલની મુલાકાત લીધી

અમરેલીમાં હાલ કોરોનાના વધતા કેસોને ધ્યાને લઇ અમરેલીના પ્રભારીમંત્રીશ્રી અને અન્ન-નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આજે અમરેલી સિવિલ હોસ્પિટલ તેમજ રાધિકા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિક વેકરીયા અને જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક પણ જોડાયા હતા.

આ અંગે વધુ વાત કરતા પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજે જિલ્લાના વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. અમરેલીની પરિસ્થિતિ અન્ય જિલ્લાઓ કરતા ખુબ સારી છે. રિકવરી રેટ અને ટેસ્ટિંગ પણ સારું થઈ રહ્યુ છે. હાલ ઓક્સિજનવાળા ૩૮૫ બેડને વધારી ૫૧૦ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ૬૫ બેડની નવી હોસ્પિટલની મંજૂરી મળી છે અને સાવરકુંડલા લલ્લુભાઈ શેઠ સંસ્થા દ્વારા ૬૦ નવી બેડની હોસ્પિટલ ટૂંક સમયમાં જ તૈયાર કરાશે. આ ઉપરાંત જાફરાબાદ ખાતે ૧૫ બેડના કોવીડ કેર સેન્ટર કાલથી ચાલુ થશે. આગામી ૫ થી ૬ દિવસમાં ચલાલા ખાતે ૧૫-૧૫ બેડના કોવીડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવશે.

અમરેલી આરોગ્ય તંત્રની વેક્સિનેશનની કામગીરી ને બિરદાવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ૪૫ થી વધુ વયજુથના લોકોમાં ૫૧ % થી વધુ વેક્સીનેશન કરવામાં આવ્યું છે તે ખરેખર પ્રસંશનીય છે. અને જિલ્લામાં વધુને વધુ વેક્સિનેશન થાય તે દિશામાં પ્રયત્નો કરવા આરોગ્ય તંત્રને અપીલ કરી હતી. આ ઉપરાંત મંત્રીશ્રીએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે હજુ પણ લોકોમાં વેક્સીન બાબતે કેટલીક ભ્રામક અફવાઓ છે તે લોકો દૂર કરી વેક્સીન લે તો આ મહામારીનો સામનો કરી શકીશું.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આગામી ૩ થી ૪ દિવસમાં RTPCR ટેસ્ટમાં જે ૨૪ થી ૪૮ કલાક જેટલો સમય લાગતો તે માટે હવે એક મશીન વધારાનું મુકવાથી ૧૨ કલાકમાં સેમ્પલનું રિઝલ્ટ મળી રહેશે. આ ઉપરાંત મંત્રીશ્રીએ કોરોનાના લક્ષણો ધરાવતા લોકો સામેથી વહેલી તકે આવી નજીકના આરોગ્ય કેન્દ્ર પર તપાસ કરાવે તેવી અપીલ કરી હતી.

Follow Me:

Related Posts