fbpx
ભાવનગર

પ્રભારી સચિવ સ્વરૂપ પી. ના અધ્યક્ષસ્થાને જિલ્લાના મુખ્ય અધિકારીઓની સમીક્ષા બેઠક

ભાવનગર જિલ્લાના પ્રભારી સચિવશ્રી સ્વરૂપ પી.ના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરીના આયોજન ખંડ ખાતે જિલ્લાના મુખ્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

પ્રભારી સચિવશ્રીએ શિક્ષણ, વીજળી, મનરેગા, પંચાયત,મહેસૂલ વિભાગની  કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.

પ્રભારી સચિવશ્રીએ જણાવ્યું કે, પોતાની પાસે ઉપલબ્ધ સાધનોનો સમયસર અને મહત્તમ ઉપયોગ થાય તે ખૂબ જ જરૂરી છે. જો તેમ થાય તો જ લોકોને સમયસર અને જરૂરિયાત મૂજબ સેવાઓ પૂરી પાડી શકાશે.

પ્રભારી સચિવશ્રીએ જિલ્લામાં આગ અકસ્માતના સમયે સર્જાતી કપરી સ્થિતિને નિવારી શકાય તે માટે હોસ્પિટલના સ્ટાફને પણ ફાયરની તાલીમ આપી જ્યાં ઓક્સીજનના બેડ છે ત્યાં રાઉન્ધ ધ ક્લોક એક વ્યક્તિની નોડલ તરીકે નિમણૂંક કરવાં સૂચન કર્યું હતું.

તેમણે કહ્યું કે, થોડા વર્ષોથી વરસાદની પેટર્ન બદલાઇ છે ત્યારે જિલ્લાના ખેડૂતો તે પેટર્નને અનુસરી કૃષિ કરે તે માટેનું જરૂરી માર્ગદર્શન ગ્રામીણ સ્તર સુધી પહોંચે તે જરૂરી છે.

તેમણે જિલ્લામાં ચાલતાં મનરેગાના કામો, આવાસ યોજનાઓ, જળ-સિંચાઇના કામો વગેરેની સમીક્ષા કરવાં સાથે જિલ્લામાં વરસાદ વખતે જરૂરી કાર્યવાહી અંગે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

તેમણે બાળકોમાં જોવાં મળતાં કૂપોષણમાંથી બહાર નિકળવાં માટે બાળકો, સગર્ભા માતાઓ- ધાત્રી માતાઓ જેટલું જ ધ્યાન કિશોરી પર આપવાં પર ભાર મૂકી દરેક ગામની શિક્ષિકાઓ તેમના વિકાસનું ધ્યાન રાખે તેવું માળખું વિકસીત કરવાં સૂચન કર્યું હતું.

તેમણે કોરોનામાં અટકેલાં કામો ઝડપથી પૂર્ણ કરી જનસુખાકારીના કાર્યોમાં વધારો કરવાં માટે અધિકારીઓનું માર્ગદર્શન કર્યું હતું.

પ્રભારી સચિવશ્રીએ પાણી- ગટર, વીજળી, આવાસ યોજનાઓ સહિતની સ્થિતિ જાણી તે અંગેની ઉપયોગી માર્ગદર્શન ઉપસ્થિત અધિકારીઓને આપ્યું હતું.

કલેક્ટરશ્રી યોગેશ નીરગુડે‌ આગામી ત્રણ મહિના દરમિયાન જિલ્લા કક્ષાએ હાથ ધરવામાં આવનાર વિવિધ કામગીરી અને તેના નિર્ધારિત લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટેની કાર્યવાહી ની વિશદ ચર્ચા કરી હતી.

કલેકટરશ્રીએ જિલ્લાના હાઈવે, જિલ્લામાં ૧૦૦% રસીકરણ, મનરેગા દ્વારા હાથ ધરવામાં આવેલાં કાર્યો સરકારી જમીનની માગણી પૂરી કરવી, સમાજ સુરક્ષાના લાભાર્થીઓ માટે ઝુંબેશ, જિલ્લામાં સૌર ઊર્જાનું ઉત્પાદન વધારવું, સોલાર રૂફ ટોપ યોજનાનો વધુ લાભ લોકો લે તે માટેનું આયોજન, ઓર્ગેનિક ફાર્મિંગ, સફાઈ અને ઘન કચરાના નિકાલ વગેરે મુદ્દાઓની ધ્યાન રાખીને જિલ્લાના અધિકારીઓ તેને સિદ્ધ કરવા માટે કાર્ય કરે તે માટે અનુરોધ કર્યો હતો.      આ બેઠકમાં ભાવનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ.એ. ગાંધી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જીલોવા, નગરપાલિકા નિયામક શ્રી અજય દહિયા, પ્રાંત અધિકારી સર્વશ્રી પુષ્પલત્તા, જયંત માનકલે, અધિક નિવાસી કલેકટર શ્રી બી.જે. પટેલ, જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

Follow Me:

Related Posts