fbpx
ગુજરાત

પ્રવેશોત્સવ, ગુણોત્સવ, ભણશે ગુજરાત એવા રૂપકડા નામ આપીને સરકારી તાયફાઓ કરી જનતાના પૈસાનો દુરુપયોગ સરકાર દ્વારા કરવામાં આવે છે.- અમિત ચાવડા

 વિધાનસભા ખાતે પ્રેસ મીડિયાને સંબોધન કરતા શ્રી અમીત ચાવડાએ જણાવ્યું કે ભૂતકાળની સરકારોએ શિક્ષણ વ્યવસ્થાઓને સુદૃઢ કરવા માટે સરકારી શાળાઓ તો કરી પણ સાથે સાથે અનુદાનિત જે શાળાઓને પણ મદદ કરી પૂરતા પ્રમાણમાં શિક્ષકો અને ગ્રાન્ટની વ્યવસ્થાઓ કરી છે. એક સમય એવો હતો કે આખા દેશમાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની નામના હતી આજે આપણે દરેક રીતે શિક્ષણ ક્ષેત્રે પાછા પડી રહ્યા છીએ. જેનું કારણ માત્ર સરકારની ખાનગીકરણની નીતિને પ્રોત્સાહન આપવાની એમની નીતિ છે.

        વધુમાં શ્રી અમીત ચાવડાએ જણાવ્યું કે આજે પ્રશ્નોત્તરીમાં જે જવાબો મળ્યા છે કે સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકમાં લાંબા સમયથી શિક્ષકોની ભરતી નહી કરવાને કારણે કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવાને કારણે શિક્ષણ વ્યવસ્થાને ખુબ મોટું નુકસાન થઇ રહ્યું છે. એક બાજુ સરકાર એમ કહે છે કે અમે તમામ જગ્યાઓ ભરી છે.

        સરકારમાં જે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં આજની તારીખે ૨૩૪૪ જેટલા પદો ખાલી છે અને એ જ રીતે જે અનુદાનિત શાળાઓ છે એમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 10669 જેટલી જગ્યાઓ ખાલી છે. લગભગ 13000 કરતા વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય તો પછી બાળકોને કેવી રીતે ભણાવી શકાય? એની સામે સરકારે જે ભરતી કર્યાની વાત કરે છે તે પણ કઈ ભરતી કરી તો કે 4138 જ્ઞાન સહાયકોની ભરતી કરી. આ જ્ઞાન સહાયકો એટલે ૧૧ માસના કરાર આધારિત શિક્ષકો, જેમ કે ખેતરમાં આપણે દાળિયા રાખવાના હોય આ કરાર આધારિત દાળિયા શિક્ષકોની ભરતી અને સરકાર પાછું નામ આપે કે “જ્ઞાન સહાયક” TET, TAT પાસ કરેલા હજારોની સંખ્યામાં યુવાનો બેરોજગાર છે, કાયમી ભરતી માટે આંદોલન કરી રહ્યા છે, 

સંઘર્ષ કરી રહ્યા છે, પણ કાયમી ભરતી સરકારને કરવી નથી જે પણ ભરતી કરે છે તે જ્ઞાન સહાયકને નામે ૧૧ માસના કરાર આધારિત ભરતી કરે છે. 13000 કરતા વધારે પદો ખાલી છે, ત્યારે સરકાર આ ભરતી ક્યારે કરશે એવા પ્રશ્નના જવાબમાં પણ સરકાર પાસે કોઈ ચોક્કસ સમય મર્યાદા આપવામાં નથી આવી એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારની ગુનાહિત બેદરકારી, ઘોર ઉપેક્ષા અને ખાનગીકરણની નીતિને પ્રોત્સાહન આપવાને કારણે શિક્ષણનું સ્તર દિવસે દિવસે કથળતું જાય છે. ગુજરાતમાં શિક્ષણની ઘોર ખોદવાનું કામ આ ડબલ એન્જીનની સરકાર કરી રહી છે એવું આ આંકડાઓ પરથી સ્પષ્ટ ફલિત થાય છે.

Follow Me:

Related Posts