અમરેલી

પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતોને પોષણક્ષમ ભાવ મળે, નાગરિકોનેઝેરમુક્ત ખેત પેદાશો મળી રહે તે હેતુથી “અમૃત ખેડૂત બજાર”

 આ પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ વેગ મળે તેમજ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતોને પોષણક્ષમ ભાવ મળે, નાગરિકોને ઝેરમુક્ત ખેત પેદાશો મળી રહે તે હેતુથી પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવશે.

            આગાામી તા.૧૭/૦૯/૨૦૨૩ ને રવિવારના રોજ સવારે ૯ વાગ્યાથી “અમૃત ખેડૂત બજાર” નું આયોજન અમરેલીના ચિતલ રોડ, સરદાર ચોક સ્થિત સિનિયર સિટીઝન પાર્ક ખાતે કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આ “અમૃત ખેડૂત બજાર” દર અઠવાડિયે એક વાર એટલે કે દર રવિવારે ભરવામાં આવશે.

            “અમૃત ખેડૂત બજાર” જિલ્લાના દરેક તાલુકાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો તેમની વિવિધ ખેત પેદાશો સાથે ઉપસ્થિત રહેશે. કોઇપણ પ્રકારના કેમિકલ્સ, રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય તેવી આ ખેત પેદાશો સંપૂર્ણ ગાય આધારિત ખેતીના આયામો દ્વારા ઉત્પાદિત હોય છે, જે માનવ સ્વાસ્થ્ય અને તેની તંદુરસ્તી જાળવવામાં અસરકારક છે. પ્રાકૃતિક કૃષિ અપનાવી છે તેવા ખેડુતો અને આવી ચીજવસ્તુઓના વેચાણ માટે પ્રોત્સાહન પૂરું પાડવા જરુરિયાત મુજબની ચીજ વસ્તુઓ ખરીદી શકાય છે.

            આ ચીજવસ્તુઓમાં શાકભાજી, તુવેરદાળ, મગદાળ, અડદ, મગ, રાઇ, જીરૂ,, ઘાણા, હળદર, લાલ મરચુ, શીંગતેલ, સરગવાનો પાઉડર, કોઠીંબા અને ભીંડાની કાચરી વગેરેનો સમાવેશ થાય છે.  આ અમૃત આહાર બજારનો વધુમાં વધુ લાભ લેવા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, આત્મા અમરેલી દ્વારા એક અખબારી યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Posts