અમરેલી

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત ખેત પેદાશો, ઉત્પાદન સહિતની બાબતો વિશે ખેડૂત શ્રી રાજપરાએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો

અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાએ કુંકાવાવ-વડીયા તાલુકાના અમરાપુર સ્થિત પ્રાકૃતિક કૃષિ મોડેલ, ગુરુ કૃપા ફાર્મની મુલાકાત લીધી હતી. પ્રાકૃતિક કૃષિ હેઠળ પંચ સ્તરીય બાગાયતી મોડેલ ફાર્મ ખેડૂત શ્રી ઘનશ્યામભાઈ રાજપરા દ્વારા અપનાવવામાં આવેલી પ્રાકૃતિક કૃષિની પદ્ધતિ વિશે કલેકટરશ્રી સાથે વાતચીત કરી હતી. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત ખેત પેદાશો, ઉત્પાદન સહિતની બાબતો વિશે ખેડૂત શ્રી રાજપરાએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટેની પૂર્વ તૈયારીઓ અને ધ્યાને રાખવા જેવી મુખ્ય બાબતો ઉપરાંત ખેડૂતોને કોઈ સમસ્યાઓ હોય તો તેનો યોગ્ય અને વ્યવહારુ રીતે નિકાલ કઈ રીતે થઈ શકે તેનું માર્ગદર્શન પણ આ તકે ખેડૂતોને આપવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી શકે તે માટે ખેડૂતોને જાગૃત્ત કરવા પણ પ્રયત્નો હાથ ધરવામાં આવશે. અમરેલી જિલ્લા આત્મા પ્રોજેકટ ડાયરેકર  શ્રી ડી.એમ.નીનામા, આત્મા નાયબ પ્રોજેકટ ડાયરેક્ટર શ્રી ડી.એ. ચાવડા અને બ્લોક ટેકનોલોજી મેનેજર શ્રી મહેશભાઈ પટેલ અને પ્રાકૃતિક કૃષિના જિલ્લા સંયોજક શ્રી ભીખાભાઇ પટોળિયા તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts