પ્રાકૃતિક ખેતીથી માસ્ટરટ્રેનર સુધી પંકજભાઈ ગાંગાણીની અનોખી સફર
૪૦ વર્ષિય પ્રગતિશીલ ખેડૂત પંકજભાઈ વલ્લભભાઇ ગાંગાણી મૂળ ભાવનગર જિલ્લાના મહુવાના વતની છે. તેઓ છેલ્લા ૭(સાત) વર્ષ થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના પ્રાકૃતિક ખેતી અંગે પ્રોત્સાહનને કારણે આજે રાજ્યમાં અનેક ખેડૂત આધુનિકથી અત્યાધુનિકની સફર કરી રહ્યા છે.પંકજભાઈ વલ્લભભાઇ ગાંગાણી પણ આવા જ એક પ્રગતિશીલ ખેડૂત છે કે જે ઘણા વર્ષોથી પરંપરાગત ખેતી કરી રહ્યા છે. બજારમાંથી મળતા મોંઘા અને વિદેશી બિયારણો, જંતુનાશક, ફૂગનાશક, નિંદણનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના ઉપયોગને કારણે ખુબ ખર્ચ થતો હતો.
વર્ષ ૨૦૧૭માં ‘આત્મા પ્રોજેક્ટ યોજના’ ભાવનગર સાથે તેઓ જોડાયા. જેના મારફત તેમને વિવિધ પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને “દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીની” તાલીમ અને માહિતી મળી. જેનાં પરિણામસ્વરૂપ પંકજભાઈએ તે તાલિમ નો ઉપયોગ કરી તેમની પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી.
પંકજભાઈ વલ્લભભાઇ ગાંગાણી પાસે આજે કુલ ૪ (ચાર) ગાયો અને ૩ (ત્રણ) ભેંસ એમ કુલ સાત પશુધન છે. ચાલુ વર્ષે ચોમાસુ ઋતુમાં પંકજભાઈ મગફળી, શાકભાજી અને કપાસ પાકમાં દેશી મગ, મકાઇ, તલ તથા સુર્યમુખી જેવાનું મિશ્ર પાક તરીકે વાવેતર કરે છે. ગતવર્ષે શિયાળામાં શાકભાજી, ઘઉં લસણ અને ડુંગળી પાકોનું વાવેતર પંકજભાઈએ કર્યું હતુ. આમ ધનિષ્ઠ ખેતી કરી પંકજભાઈ વલ્લભભાઇ ગાંગાણી સારી આવક પ્રાપ્ત કરી રહ્યા છે.
ગોપકાનુ ઓર્ગનિક સર્ટીફિકેટ પણ પંકજભાઈ ધરાવે છે અને ખુદ પ્રાકૃતિક ખેતીના માસ્ટરટ્રેનર છે. ચાલુ વર્ષે પંકજભાઈના માર્ગદર્શન હેઠળ આજે ૧૦ (દસ) ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી” પદ્ધતિ દ્વારા મગફળીનુ વાવેતર કરી, મગફળીનું તેલ કાઢી, વેચાણ કરી રહ્યા છે.પંકજભાઈ વલ્લભભાઇ ગાંગાણીને સરકારશ્રી દ્વારા બાળ દુધાળા પશુ યોજના, આત્મા યોજના તથા શેડ માટે 1.5 લાખ ની સહાય પ્રાપ્ત થયેલ છે.
પ્રાકૃતિક ખેતીમાં પંકજભાઈ જીવામૃત, ધનજીવામૃત બીજામૃત, આચ્છાદન અને જંતુનાશક અસ્ત્રો જેવા આયામો અપનાવીને સફળતા પૂર્વક ખેતી કરી રહ્યા છે. આ ઉપરાંત ગૌધારા અમૃત પ્લાન્ટ (અનએરોબીક બેકટરીયા – જીવામૃત પ્લાન્ટ)નો ઉપયોગ પણ તેઓ ખેતી દરમિયાન કરે છે. પંકજભાઈ મગફળીની પોતાની રાધે ક્રિષ્ના મીની ઓઇલ મીલમાં તેલ કઢાવીને ગતવર્ષે એક ડબ્બાના રૂ.૩૭૫૦/- લેખે ગ્રાહકોને સીધુ જ તેમના ઘરે ખેતરેથી જ વેચાણ કરેલ છે.
આ તકે પંકજભાઈ જણાવે છે કે રાસાયણિક ખેતી કરતા પ્રાકૃતિક ખેતી પદ્ધતિના લીધે તેમના ખેતી ખર્ચમાં ખુબ મોટો ઘટાડો અને આવકમાં વધારો થયો છે. તેમના અનુભવ થકી તેઓ દરેક ખેડૂતને “દેશી ગાય આધારિત સંપૂર્ણ “પ્રાકૃતિક ખેતી” પદ્ધતિ દ્વારા ખેતી કરવાની સલાહ આપે છે.
Recent Comments