કુદરતે કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઇકો સિસ્ટમની રચના કરી છે. આ કુદરતી વ્યવસ્થા એટલે પ્રાકૃતિક કૃષિ. પ્રાકૃતિક કૃષિમાં કૃત્રિમ ખાતર અને કૃત્રિમ જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પ્રાકૃતિક કૃષિ એ ગૌ આધારિત કૃષિ છે.જગતના તાત એવાં ખેડૂતો સમગ્ર ગુજરાતમાં હવે પરંપરાગત કૃષિથી પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિની દ્રષ્ટિએ હવે અમરેલી જિલ્લો પરિવર્તન લાવી રહ્યો છે. એક અંદાજ મુજબ જિલ્લાના ૩૧,૯૮૧ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી ચૂક્યા છે અને ઘર બેઠાં જ પ્રાકૃતિક ઢબે ઉત્પાદિત પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કરી રહ્યા છે.
આપણે પ્રાકૃતિક કૃષિ વિશે જાણતા તો હોઈએ પરંતુ શું આપણે એ જાણીએ છીએ કે, પ્રાકૃતિક કૃષિ અને તેમાં ઉત્પાદિત થતાં ઉત્પાદનોનું સર્ટિફિકેશન કેવી રીતે થાય છે ? શા માટે સર્ટિફિકેશન મહત્વનું છે? સર્ટિફિકેશન એ સુનિશ્ચિત કરે છે કે, ખેડૂતો પ્રાકૃતિક ખેતીના ધારા-ધોરણો અને નિયમોનું પાલન કરી રહ્યા છે ઉપરાંત તેમની ખેત પેદાશોને માન્યતા આપે છે.
પ્રાકૃતિક ખેતી દ્વારા ઉગાડવામાં આવતા ખેત ઉત્પાદનોની ગુણવત્તાની ખાતરી, ગ્રાહકોને મજબૂત વિશ્વાસ પૂરો પાડવો, છેતરપીંડીના નિવારણ અને બજારના ફાયદા માટે પ્રાકૃતિક ખેત ઉત્પાદનને સર્ટિફિકેશનની આવશ્યકતા રહે છે. પ્રાકૃતિક ખેત ઉત્પાદન માટે સર્ટિફિકેશનનું મહત્વ એટલે પણ વધુ રહે છે, કારણ સર્ટિફિકેશન થકી પ્રમાણિત પ્રાકૃતિક ખેત ઉત્પાદનને બજારમાં સ્પર્ધાત્મક લાભ પ્રાપ્ત થાય છે સાથે તેની મદદથી રાસાયણિક ખેત ઉત્પાદન અને પ્રાકૃતિક ખેત ઉત્પાદન બંનેને અલગ અલગ તારવી શકાય છે.
*ભારતમાં પ્રાકૃતિક ખેતી માટે કુલ ત્રણ પ્રકારની સર્ટિફિકેશન સિસ્ટમ છે.
(૧) થર્ડ પાર્ટી સર્ટિફિકેશન : NPOP (નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક પ્રોડક્શન) સિસ્ટમ APEDA એટલે કે, કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી કે જે વાણિજ્ય મંત્રાલય દ્વારા સંચાલિત થાય છે સાથે તે મુખ્યત્વે નિકાસ હેતુઓ માટે ઓર્ગેનિક પેદાશો પર કેન્દ્રિત છે.
(૨) પી.જી.એસ-ઇન્ડિયા સર્ટિફિકેશન સિસ્ટમ : એટલે કે, પાર્ટિસિપેશન ગેરંટી સિસ્ટમ ફોર ઇન્ડિયા એ એક જૂથ આધારિત ઓર્ગેનિક સર્ટિફિકેશન સિસ્ટમ છે. જેમાં ખેડૂતોની ભાગીદારી સમાવિષ્ટ છે. તેનો ઉપયોગ મુખ્યત્વે સ્થાનિક ઉત્પાદનો માટે થાય છે. ઉલ્લેખનીય છે કે, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૧૧માં આ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. આ ઉત્પાદનો માત્ર સ્થાનિક બજારમાં જ વેચી શકાય છે. સાથે પી.જી.એસ-ઇન્ડિયા પાક ઉત્પાદન, પશુ ઉત્પાદન, વેલ્યુ એડીશન, સંગ્રહ માટેના ધોરણોને પણ આવરી લે છે.
(૩) સ્વ-પ્રમાણીકરણ : ભારતમાં હિમાચલ પ્રદેશ જેવા કેટલાક રાજ્યોએ પ્રાકૃતિક ઉત્પાદનો માટે નવીન સ્વ-પ્રમાણિત પદ્ધતિ વિકસાવી છે. આ પ્રણાલી ખેડૂતોને નિર્ધારિત પરિમાણો અને માર્ગદર્શિકાઓના આધારે તેમની ખેતપદ્ધતિઓનું મૂલ્યાંકન અને પ્રમાણિત કરવા સક્ષમ બનાવે છે.
ઉપરોક્ત ત્રણ પ્રકારની સર્ટિફિકેશન સિસ્ટમમાં પીજીએસ-ઇન્ડિયા સર્ટિફિકેશન સિસ્ટમ અથવા પ્રમાણપત્ર પ્રક્રિયા અન્ય કરતા વધુ સરળ અને ઓછી ખર્ચાળ છે. મહત્વનું એ છે કે, NPOP (નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક પ્રોડક્શન) સર્ટિફિકેશન સિસ્ટમ થકી પ્રમાણિત પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનું સ્થાનિક બજારની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ વેચાણ કરી શકાય છે. જ્યારે ભારતમાં નાના ખેડૂતો અને સ્થાનિક બજારો માટે પીજીએસ-ઇન્ડિયા સર્ટિફિકેશન સિસ્ટમ વધુ સુલભ અને સસ્તી છે.રાજ્યમાં અનેક ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડીને સમયની માંગ મુજબ ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે. પ્રાકૃતિક ખેતીને લઈને ખેડૂતો જાગૃત બને તે માટે રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને રાજ્ય સરકાર દ્વારા સરાહનીય સફળ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક કૃષિ ભવિષ્યમાં જમીનની તંદુરસ્તી-ફળદ્રુપતા જાળવવા માટે અને એક પ્રકારે લોકોને વિવિધ પ્રકારના રોગોથી બચવા માટે પણ એક મજબૂત વિકલ્પ બનીને ઉભરશે.
Recent Comments