અમરેલી

પ્રાકૃતિક ખેતીમાં ભેજનું મહત્વ: જાણો પાકને પીળો થતો બચાવવા માટે કેટલા પ્રમાણમાં પાણી આપવું

રાજ્યને આગામી ૦૫ વર્ષમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી યુક્ત બનાવવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજયભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે મિશન મોડમાં પ્રયાસો શરુ છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અને તેની વિવિધ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે.

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં જમીનમાંથી સારું ઉત્પાદન મેળવવા માટે પાણી કેટલા પ્રમાણમાં અને કેવી રીતે આપવું તેનું વિશેષ મહત્વ છે, સાથે જ વૃક્ષાવૃક્ષાકારની સમજ પણ જરુરી છે. કેવી રીતે ડાળી/થડના ઘેરાવાને વધારવાથી વધુ ઉત્પાદન મળે છે તેની સમજ કેળવવી પણ જરુરી છે. જમીનની અંદર બે કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે, તેમાં ૫૦ ટકા વરાળ અને ૫૦ ટકા હવાનું પ્રમાણ જરુરી, આ સ્થિતિને વરાપ કહેવામાં આવે છે.વરાપ અને વૃક્ષાકારની પદ્ધતિ વિશે રાજયમાં પ્રાકૃતિક કૃષિનું મહા અભિયાન ચલાવી રહેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા લખવામાં આવેલા પુસ્તક ‘પ્રાકૃતિક કૃષિ’માં સવિશેષ સમજાવવામાં આવ્યું છે.

જમીનમાં બે કણો વચ્ચે જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે ત્યાની હવા ઉપરથી નીકળી જાય છે. જેનાથી મૂળ અને જીવાણુઓને ઓક્સિજન મળતો નથી અને તે નાશ પામે છે અથવા પાક પીળો પડે છે. ક્યારેક પાક સુકાય જાય છે, તેથી પ્રાકૃતિક કૃષિમાં પાકને પાણી એટલું જ આપવું જોઈએ જેનાથી મૂળની આસપાસની ખાલી જગ્યામાં વરાપ રહે અર્થાત પાણી ન ભરાય.વરાપ નિર્માણની પ્રક્રિયા : કોઈ પણ વૃક્ષ છોડ પર ૧૨ વાગ્યે બપોરે જે છાંયો પડે છે, તેની છેલ્લી હદ પર વરાપ લેતાં મૂળ હોય છે. છાંયડાની અંદર વરાપ લેવાવાળા મૂળ નથી હોતા. જ્યારે પાણી છાંયડામાં ભરાય ત્યારે વરાપનું નિર્માણ થતું નથી પરંતુ મૂળ સડવા લાગે છે. આ નુકશાનીથી બચવા માટે ખેડૂતોએ છાંયડામાંથી નાળું બહાર કાઢવું જોઈએ અને થડ પર માટી ચડાવવી જોઈએ.

લીલા પાન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા જે ખોરાકનું નિર્માણ કરે છે તે ખોરાકનો સંગ્રહ ડાળી/થડમાં થાય છે. ડાળી/થડ અને પાંદડાઓ એકબીજા સાથે હંમેશા સપર્કમાં રહે છે. જો પાંદડાઓ ૧૦૦ કિલો ખોરાક તૈયાર કરે પરંતુ ડાળી/થડનો ઘેરાવો ઓછો હોય તો ૭૦ કિલો ખોરાકનું ઉત્પાદન થાય.ડાળી/થડ નાના હોવાના કારણે તે ઓછો ખોરાક લઈ શકે છે. પરંતુ જો તે ૧૦૦ કિલો ખોરાકનો સંગ્રહ કરી શકવાની ક્ષમતા ધરાવે તેટલો ઘેરાવો હોય તો ઉત્પાદનમાં ૩૦ કિલો દાણા મળી શકે.  આમ,  ઉત્પાદન વધારવા માટે પાંદડાઓ દ્વારા ઉત્પાદિત થતો પૂરો ખોરાક ડાળી/થડમાં સંગ્રહ થાય તે માટે ડાળી/થડનો ઘેરાવો વધારવો જોઈએ.

 ડાળી/થડના ઘેરાવો મૂળ સાથે સીધો સંબંધ ધરાવે છે. ડાળી/થડનો ઘેરાવો વધારવા માટે મૂળનો ઘેરાવો પણ વધારવો જોઈએ. મૂળનો ઘેરાવો વધશે ત્યારે મૂળની લંબાઈ પણ આપોઆપ વધશે. મૂળની લંબાઈ ત્યારે જ વધશે જો છોડને પાણી મૂળથી દૂર આપવામાં આવતુ હશે. ખેડૂતો છોડને છ ઈંચ દૂરથી પાણી આપે તો મૂળની લંબાઈ વધશે અને ડાળી/થ઼ડનો ઘેરાવો પણ વધશે. આવી રીતે છોડનો ઘેરાવો અને ડાળીઓ વધી જશે જેના લીધે છેવટે પાંદડાઓ વધારે ખોરાકનું નિર્માણ કરશે અને આનાથી પાકનું ઉત્પાદન વધશે. 

Related Posts