પ્લાસ્ટીક કે પ્લાસ્ટીક કોટેડ વાયર બાળવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
તાજેતરમાં ભાવનગર જિલ્લાનાં શહેરી વિસ્તાર તથા વિકસીત વિસ્તારનાં લોકોનાં રોજબરોજનાં જીવનમાં પ્લાસ્ટીકનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયેલ છે અને ભાવનગર જિલ્લાનાં અલંગ ખાતે આવેલ શીપ યાર્ડમાંથી નીકળતા વાયરમાંથી તાંબુ – પીત્તળ જેવી ધાતુઓ છુટી પાડવા માટે પ્લાસ્ટીક કોટેડ વાયર બાળવામાં આવે છે. આમ, ઘન કચરો પ્લાસ્ટીક તથા અલંગ યાર્ડમાંથી નીકળતા વાયરોનાં પ્લાસ્ટીક કોટેડ વાયરો સળગાવવા/બાળવાનાં કારણે તેના ધુમાડાથી હવામાન ખૂબ જ પ્રદુષિત થાય છે જે લોકોનાં સ્વાથ્ય માટે હાનીકારક નીવડે છે.
જે અંગે ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી શ્રી બી.જે.પટેલ દ્વારા ભારતના ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ નો બીજો) ની કલમ -૧૪૪ થી મળેલ અધિકારની રૂઈએ હુકમ કરવામાં આવેલ છે કે, લોકોને શુધ્ધ પ્રદુષણ રહિત હવા મળી રહે અને લોકોનું સ્વાસ્થય જળવાઈ રહે તે માટે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર, તમામ નગરપાલિકા વિસ્તાર, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ, અલંગ વિસ્તાર વિસ્તાર સત્તા મંડળમાં સમાવિષ્ટ થતાં વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિએ ઘન કચરો, પ્લાસ્ટીક કે અલંગ યાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટીક કોટેડ વાયર બાળવા/ સળગાવવા નહિ.
આ હુકમ જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી ૬૦ દીવસ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો અમલ સંબંધિત પોલીસ થાણાના અધિકારીશ્રીઓ, પ્રાદેશિક અધિકારીશ્રી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ- ભાવનગર, કમિશનરશ્રી- મહાનગરપાલિકા, મુખ્ય કારોબારી અધિકારીશ્રી- ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ, નિર્દિષ્ટ અધિકારીશ્રી અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળ- અલંગ તથા સંબંધિત ચીફ ઓફીસરશ્રી, નગરપાલિકાઓએ કરાવવાનો રહેશે. સદરહું જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ (સને -૧૮૬૦ ના ૪૫ માં અધિનિયમ) ની કલમ -૧૮૮ મુજબ સજા થશે.
Recent Comments