ફતેગંજ બ્રિજ પરથી ૧૫ દિવસમાં જ પટકાઇ ત્રીજા યુવકનું મોત
વડોદરા શહેરના ફતેગંજ બ્રિજને સુરક્ષિત બનાવવા બાબતે પાલિકાની કુંભકર્ણની નિદ્રાએ માત્ર ૩૨ દિવસમાં જ વધુ એક યુવકનો ભોગ લીધો છે. મિત્રના લગ્નમાંથી પરત મોપેડ પર જઇ રહેલા ૨ યુવકો બ્રિજના તે જ પોઇન્ટ ઉપરથી નીચે પડ્યા હતા જ્યાંથી ગત ૩૧ ડિસેમ્બરે રાત્રે ૨ યુવકોએ પટકાઇને પોતાનો જીવ ગુમાવ્યો હતો. બુધવારે રાત્રે બ્રિજ પરથી પટકાયેલા ૨ પૈકી ૨૫ વર્ષીય હર્ષિલ લિંબાચીયાએ સ્થળ પર જ દમ તોડ્યો હતો. જ્યારે તેનો મિત્ર દેવલ સોલંકી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં છે. ૧૫ દિવસ પહેલા સિટી રોડ સેફ્ટી કમિટીની મિટીંગમાં ફતેગંજ બ્રિજના ભયજનક વળાંક પર જાળી લગાવવા તાકીદ કરી હતી.
જ્યારે રોડ સેફ્ટિ કમિટીના સભ્ય રાજેશ ચૌહાણે બ્રિજ પ્રોજેક્ટ શાખાને જાળી લગાવવા ૧૫ દિવસ પહેલાં કહ્યુ હોવાનું જણાવ્યુ હતું. બ્રિજ શાખાના કાર્યપાલક ઇજનેર રવિન્દ્ર પંડ્યાએ કોઇ સૂચના મળી નહીં હોવાનું જણાવ્યુ છે. સિટી ઇજનેર અલ્પેશ મજમુદારે જણાવ્યું કે, ટ્રાફિક સલાહકાર સમિતિ સાથે ચર્ચા કરી હતી. પોલીસે રેલિંગનું સૂચન કર્યું નથી, કરે તો કામગીરી કરાશે. હર્ષિલના કાકાએ જણાવ્યું કે મારો ભત્રીજાે મિત્રના લગ્નમાં ગયો હતો. રાત્રે દોઢ વાગે પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે તમારા દિકરાનો અકસ્માત થયો છે, જીજીય્માં આવી જાવ. એટલે હું અને મારા ભાઈ-ભાભી સયાજી હોસ્પિટસમાં પહોંચ્યા તો ત્યાં અમારો દિકરો લોહીમાં તરબતર સ્ટ્રેચર પર પડ્યો હતો. તેના નાક-આંખ-કાનમાંથી લોહી નિકળતું હતું.
અમે સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે અમારો દિકરો ક્યારે પણ ઘરે પાછો નહીં ફરે. ૩૧ ડિસેમ્બરે ફતેગંજ બ્રિજ પર ૨ યુવકોના મોત બાદ ટ્રાફિક ડિસીપી જ્યોતી પટેલે પાલિકાને પત્રથી, રોડ સેફ્ટીની મીંટીગમાં પણ બ્રિજ પર સુધારાની તાકીદ કરી હતી. આ જ રીતે મોતને ભેટનાર હર્નિશ જગતાપના સંબંધી શંકર પગારે જણાવ્યું કે, ૩૧ ડિસેમ્બરે મારા સાળાએ જીવ ગુમાવ્યો. બુધવારે ફરી પરિવારે દિકરો ગુમાવ્યો છે. પાલિકા અને સરકારને વિનંતી છે કે, બ્રિજના ભયજનક વળાંકની પાળીઓ પર જાળી, એક્ઝિટ પોઈન્ટ પર મિરર લગાવાય.
Recent Comments