ગુજરાત

ફર્નિચરના વેપારીને ક્રેડિટ કાર્ડ લીધા વિના આવ્યું ૭ લાખનું બિલ! 

સાયબર ક્રાઇમે વેપારીની ફરિયાદ લઈ અજાણ્યા સામે ચીટીંગ અને આઈટી એકટનો ગુનો નોંધ્યો

મોટા વરાછાના વેપારીના ડોક્યુમેન્ટોના આધારે અજાણ્યાએ અમેરિકન એક્સપ્રેસ કંપનીના મેમ્બરશીપનું ક્રેડિટ કાર્ડ બનાવી ૭.૦૪ લાખ રૂપિયાના ટ્રાન્જેકશનો કરી નાખ્યા હતા. જયારે ક્રેડિટ કાર્ડના પેમેન્ટની ઉઘરાણી માટે એજન્ટ ઘરે આવ્યો ત્યારે વેપારીને આ વાતની ખબર પડી હતી. આ અંગે વેપારીએ સાયબર ક્રાઇમમાં અજાણ્યા ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસથી મળેલી માહિતી મુજબ મોટાવરાછામાં શિવધારા કેમ્પસમાં રહેતા ૫૪ વર્ષીય દિપકભાઈ હરદાસભાઈ કપોપરા કાપોદ્રામાં ફર્નિચરનો વેપાર કરે છે. ડિસેમ્બર-૨૧માં તેમના ઘરે બે માણસો ક્રેડિટ કાર્ડની પેમેન્ટની ઉઘરાણી માટે આવ્યા હતા. તે સમયે વેપારીને કહ્યું કે તમારૂ અમેરિકન એક્સપ્રેસ ક્રેડિટ કાર્ડનું રૂ ૭.૦૪ લાખનું બીલ ભરપાઇ કરવાનું બાકી છે. આથી વેપારીએ કહ્યું કે આવો કોઈ ક્રેડિટ કાર્ડ મે લીધો નથી તો હું કોઈ બિલ ભરપાઇ કરવાનો નથી. પછી વેપારીએ કર્મચારીના લેપટોપમાં ક્રેડિટ કાર્ડ માટેના જે ડોક્યુમેન્ટો આપ્યા હતા તેની તપાસ કરી હતી. જેમાં તેમના નામનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ અને પાન કાર્ડ હતા. વેપારીએ અગાઉ ૩-૪ બેંકોમાંથી લોન લેવા માટે ડોક્યુમેન્ટો આપ્યા હતા. જેમાંથી આ ડોક્યુમેન્ટો કોઈ રીતે મેળવી ચીટર ટોળકીએ મેળવી લઈ ક્રેડિટ કાર્ડમાં ઉપયોગ કર્યો હોવાની આશંકા વેપારીને લાગી રહી છે. ટૂંકમાં વેપારીના ડોક્યુમેન્ટનો દૂરઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે વેપારીએ આ બાબતે સાયબર ક્રાઇમમાં અરજી આપી છે. અરજીના આધારે સાયબર ક્રાઇમે વેપારીની ફરિયાદ લઈ અજાણ્યા સામે ચીટીંગ અને આઈટી એકટનો ગુનો નોંધ્યો છે. બીજી તરફ સાયબર ક્રાઇમે આ ગુનામાં આરોપીને પકડવામાં પણ સફળતા મેળવી હોવાની શકયતા છે.

Follow Me:

Related Posts