fbpx
બોલિવૂડ

ફિલ્મ ‘ચંપારણ મટન’ સ્ટુડન્ડ એકેડેમી એવોર્ડની સેમીફાઇનલમાં.. ઓક્ટોબરમાં થઈ શકે જાહેરાત

એક પતિ પોતાની ગર્ભવતી પત્નીની માંગ પૂરી કરવા માટે ૮૦૦ રૂપિયે કિલોનાં ભાવનું મટન કઈ રીતે ખરીદે છે? લોકડાઉનને કારણે પતિ બેકાર હોય છે. મુશ્કેલીનાં સમયમાં ઘરમાં મટન પકાવ્યું હોય અને એવામાં કોઇ મહેમાન આવી જાય તો શું થાય? મટનની સુગંધથી પડોશીઓ પણ તેનો સ્વાદ ચાખવા આવી પહોંચે ત્યારે કેવિ સ્થિતિ સર્જાય? બેકારીનાં સમયમાં ગરીબ પરિવારનાં સંઘર્ષનાં કહાની પર ફિલ્મ ‘ચંપારણ મટન’ બની છે. આવી રસપ્રદ કહાની પરથી પૂણેની ફિલ્મ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા રંજન ઉમા કૃષ્ણકુમારે ફિલ્મ બનાવી છે. અંતિમ સેમેસ્ટરનાં અભ્યાસનાં પ્રોજેક્ટનાં ભાગ રૂપે તેમણે ૨૪ મિનિટની ફિલ્મ બનાવી છે, જે ઓસ્કરમાં સ્ટુડન્ટ એકેડેમી એવોર્ડની નેરેટિવ કેટેગરીમાં સેમીફાઇનલ સુધી પહોંચી ગઈ છે.

આ કેટેગરી માટે વિશ્વભરમાંથી કુલ ૨૪૦૦ ફિલ્મો આવી હતી, જેમાંથી ૧૭ ફિલ્મો શોર્ટલિસ્ટ થઈ હતી. આ વર્ષે એફટીઆઇઆઇની ત્રણ ફિલ્મોને ઇન્ટરનેશનલ એવોર્ડમાં મોકલવામાં આવી હતી, જેમાંથી ચંપારણ મટન સેમીફાઇનલ સુધી પહોંચી શકી છે.. બિહારની વજ્જિકા બોલીમાં બનેલી આ ફિલ્મમાં પંચાયત વેબ સિરીઝમાં વિકાસ ભૈયાની ભૂમિકા ભજવનાર ચંદન રોયે મુખ્ય ભૂમિકા ભજવી છે. ફલક ખાન પણ તેમાં લીડ રોલમાં છે. આ ફિલ્મનું શૂટિંગ મહારાષ્ટ્રનાં બારામતીમાં થયું છે. એક મહિના સુધી શૂટિંગ ચાલ્યું હતું. રંજનકુમારનાં જણાવ્યા પ્રમાણે તેઓ આ ફિલ્મમાં બિહારની માટીની સુંગંધ ઇચ્છતા હતા. ફિલ્મ બનાવવા એફટીઆઇઆઇ દ્વારા મર્યાદિત પૈસા આપવામાં આવતા હોવાથી રંજનકુમાર પર રૂ. એક લાખનું દેવું પણ થઈ ગયું હતું. વર્ષ ૧૯૭૨થી આપવામાં આવતા સ્ટુડન્ટ એકેડેમી એવોર્ડને ચાર અલગ અલગ કેટેગરીમાં આપવામાં આવે છે. આ એવોર્ડ માટે માત્ર ફિલ્મ ટ્રેનિંગનાં સ્ટુડન્ટ જ પોતાની ફિલ્મો મોકલી શકે છે. ઓક્ટોબરમાં આ એવોર્ડ અંગેની જાહેરાત થઈ શકે છે.

Follow Me:

Related Posts