ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા શ્રમયોગીઓને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો
ભારતીય ખાદ્ય નિગમના ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત ચેમ્બર ઓફ કોમર્સના સભાગૃહમાં એક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.
આ અવસરે ભારતીય રાજસ્વ સેવાના વરિષ્ઠ અધિકારી અને ભાવનગર જી.એસ.ટી.ના એડિશનલ કમિશનરશ્રી વિશાલ માલાણી, સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ભાવનગરના પ્રધાન વૈજ્ઞાનિકશ્રી ડો. ડી.આર. ચૌધરી,રાજકોટ ખાદ્ય નિગમના મંડલ પ્રબંધકશ્રી રાખી નિહલાની, વી.આર.ટી.આઈ.ના મુખ્ય સંયોજકશ્રી મનુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યાં હતાં.
મુખ્ય અતિથિ પદેથી શ્રી વિશાલ માલાણીએ જણાવ્યું કે આઝાદી નો અમૃત મહોત્સવ આપણને તે મહાન આઝાદીના શહીદો અને ક્રાંતિકારીઓની શહાદત અને ત્યાગના સન્માનમાં મનાવી રહ્યા છીએ,જેમણે પોતાના જીવનને દાવ પર લગાવીને દેશની આઝાદીમાં પોતાની ભૂમિકા નિભાવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ભારતીય ખાદ્ય નિગમ દેશની ખાદ્ય સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.અન્ય મહેમાનોએ પણ આ અવસરે પોતાના વિચારો પ્રગટ કર્યાં હતાં અને નિગમની કલ્યાણકારી પ્રવૃત્તિઓની પ્રશંશા કરી હતી.
આ અવસરે નિગમમાં દિવસ-રાત કામ કરતાં શ્રમયોગીઓનું શાલ અને શ્રીફળથી સન્માન કરવામાં આવ્યું હતું.
ભાવનગર ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના મેનેજરશ્રી બી. એલ. જાટે મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને કાર્યક્રમમાં સામેલ થવા માટે આભાર પ્રગટ કર્યો હતો.
તેમણે નિગમ તરફથી પ્રજા કલ્યાણકારી યોજનાઓ વિશે ઉપસ્થિત લાભાર્થીઓ અને ઉપસ્થિત જનસમૂહને જાણકારી આપી હતી.
Recent Comments