ફેરિયા વગરનો સૂનો અખબારી આલમ
માત્રને માત્ર જો એક દીવસ ફેરિયા વગરનો કલ્પના કરો તો એક પણ ઘેર છાપુ જ ન પહોંચે. અખબારી પ્રેસ કે જેનાં પૈડા કોરોના જેવા કપરા સંજોગોમાં પણ થંભ્યા ન હતાં તે ફેરિયા ધારે તો થંભાવી શકે એટલી તાકાત ધરાવે છે,પણ આ એક મજૂર એવો છે જે સંગઠિત નથી.જ્યારે ગામ વ્હેલી સવારની મીઠી નીંદર માંણતું હોય ત્યારે ફેરિયા સવારે પાંચ વાગ્યે છાપાની ટેકસીની રાહ જોઈને બેઠા હોય અને જ્યારે દુનિયા ઊંઘમાંથી ઊઠીને ચા કોફી પીતા હોય તે પહેલાં તેના આંગણામાં છાપુ પહોચી ગયું હોય. ફેરિયાઓની વચ્ચે જઈને તેની અંદરની વાતો મેળવવાની કોશિશ કરીએ તો ઘર ઘર કી કહાની જાણવા મળે. છાપું આપવામાં સહેજ પણ વહેલા મોડું થયું એટલે બિચારાનું આવી બને..!! છાપાનો ઘા આડો અવળો થઈ ગયો તો પણ સામેવાળો જે આડી અવળી ચોપડાવે તે મુંગે મોઢે સહન કરવાનું, નહિતર નોકરી જોખમમાં આવી જાય.ક્યાં કઈ શેરીમાં કુતરા કરડે છે..! ક્યાં કુતરી તાજી વિયાણી છે તેનો ખ્યાલ રાખવો પડે..!!વહેલી સવારે ઘેર ઘેર છાપુ પહોંચાડતા ફેરિયાઓ માં થી ઘણાં વિદ્યાર્થિઓ હોય છે. કૉલેજ કે હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા કરતા વ્હેલી સવારે બે કલાક કામ કરીને પોતાનો તમામ ખર્ચો કાઢી લેતાં હોય છે. તો ઘણાં માત્ર શોખ ખાતર પોકેટ મની માટે કામ કરતા હોય છે.
આમાં બહુ વળતર મળતું નથી, કારણકે પેપર એજન્ટને જે તે અખબાર તરફથી કમિશન મળતું હોય તેમાંથી બીજા ખર્ચા બાદ કરી ને વધે તેમાંથી ફેરિયાના ભાગે પડતું આવે.પરંતું અમુક નો જીવન નો આધાર જ આના પર હોય છે. અમુક ફેરિયા તો પોતાની પેપર પહોંચાડવાની લાઈન સિવાયનાં સમયમાં રોકડેથી છૂટક નકલો આખો દિવસ વેચતા હોય છે. સવારથી બપોર સુધી હજાર ઘરમાં એક ફેરિયો ફરી વળતો હોય છે. પણ હવે નવી પેઢી ફેરિયા નાં કામથી મોઢું ફેરવવા લાગ્યાં છે કારણકે આ લાઈનમાં સવારે ખૂબજ વહેલું ઉઠવું પડે અને અત્યારની પેઢીને કોઇપણ સંજોગોમાં આ પરવડે નહીં..!! હાં.. આખી રાત કામ કરવા તૈયાર છે… અત્યારે સોશ્યલ મીડિયા (સોફ્ટ કોપી) નાં વાવાઝોડા સામે પ્રિન્ટ રૂપે (હાર્ડ કોપી) હાથો હાથ પહોંચાડવી એ ખૂબજ અઘરું બની ગયું છે. ત્યારે ક્યાં સુધી અદ્યતન ટેકનિક સામે ટકી રહેશે એ પણ સવાલ છે. આજે તો આ એક કયારેય ધ્યાનમાં નહીં આવેલ… ફેરિયા વીશે લખીને, સાવરકુંડલા સ્થિત ફ્રી લાન્સ જર્નલિસ્ટ અને શૈક્ષણિક અગ્રણી પ્રતાપભાઈ ખુમાણ તમામ અખબારો ને વિનંતી કરે છે કે, આ અસંગઠિત ફેરિયાઓ જેમણે કયારેય કોઇ પ્રકારની આશા અપેક્ષા રાખી નથી. તેમનાં માટે, તેમનાં પરીવાર માટે, તેમનાં બાળકોનાં ભવિષ્ય એવા શિક્ષણ માટે અથવા સામૂહિક જીવન જુથ વીમા કે અકસ્માત જૂથ વીમા જેવુ એકાદ કદમ ઉઠાવીને થોડું ઘણું પણ મદદરૂપ થવાની જરૂર છે.
Recent Comments