બંગાળમાં ચૂંટણી લોહીયાળ બનીઃ ટીએમસીના શ્રમ મંત્રી જાકિર હુસૈન પર બોમ્બથી હુમલો
બંગાળમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેની સાથે જ રાજકારણનો લોહીયાળ ખેલ પણ ઉગ્ર બની રહ્યો છે. થોડા દિવસો પહેલા ભાજપના એક નેતા પર બોમ્બ અને ગોળીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે હવે બુધવારે મોડી રાતે કોલકાતા આવતી વખતે મુર્શિદાબાદના નિમતિતા સ્ટેશન પાસે પ્રાંતના શ્રમ રાજ્યમંત્રી જાકિર હુસૈન પર બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો હતો. હાલ તેમને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સ્થિતિ સ્થિર છે. તેમના હાથ-પગ અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચેલી છે. આ હુમલામાં મંત્રી સહિત કુલ ૨૨ લોકોને ઈજાઓ પહોંચી છે જે પૈકીના ૭ની સ્થિતિ ગંભીર છે.
જાણવા મળ્યા મુજબ મંત્રી ટ્રેન પકડવા માટે સ્ટેશન જઈ રહ્યા હતા. ગાડીમાંથી બહાર આવીને તેઓ ટ્રેન પકડવા માટે પ્લેટફોર્મ નંબર-૨ તરફ આગળ વધ્યા ત્યારે અચાનક જ તેમના પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. તે સમયે તેમના કેટલાક સમર્થકો અને સહયોગીઓ પણ તેમના સાથે હતા અને તેઓ જાકિર હુસૈન જિંદાબાદના નારા લગાવી રહ્યા હતા.
જાકિર હુસૈન પરના હુમલા બાદ ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. હાલ પોલીસ કોણે અને કયા કારણે હુમલો કર્યો તપાસ કરી રહી છે અને ઘટના સ્થળની આસપાસના રેલવેના ક્લોઝ સર્કિટ કેમેરાની મદદથી બદમાશોને ઓળખવાની વિધિ હાથ ધરવામાં આવી છે.
તૃણમૂલ કોંગ્રેસના સૂત્રો દ્વારા મળતા અહેવાલો પ્રમાણે જાકિર હુસૈને જિલ્લાના પશુ તસ્કરો વિરૂદ્ધ રાજ્ય સરકારને લેખિત ફરિયાદ કરી હતી. ક્ષેત્રના કેટલાક વેપારીઓ સાથે પણ તેમનો વિવાદ ચાલી રહ્યો હતો જેથી તેઓ લાંબા સમયથી ટાર્ગેટ પર હતા. તે સિવાય જાકિર હુસૈનના અંગત ગણાતા લોકોના કહેવા પ્રમાણે જિલ્લામાં પાર્ટીના જ કેટલાક નેતાઓ સાથે તેમને ખટરાગ હતો. થોડા દિવસો પહેલા જાકિર હુસૈને રઘુનાથગંજ થાણામાં પોતાના પર હુમલો થઈ શકે છે તેવી ફરિયાદ પણ નોંધાવી હતી.
લોકતંત્રમાં લડાઇ હોઇ શકે,પરંતુ મર્ડરની શું જરૃર છેઃ મમતા બેનર્જી
શ્રમ રાજ્યમંત્રી ઝાકિર હુસૈન પર થયેલા જીવલેણ હુમલા બાદ મમતા બેનરજીએ કેન્દ્રની મોદી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. મમતાએ કહ્યું કે લોકતંત્રમાં લડાઈ હોઈ શકે છે. પરંતુ મર્ડરની શું જરૂર છે. તેમણે મંત્રી પર હુમલા બદલ કેન્દ્રને જવાબદાર ઠેરવી દીધો છે.
Recent Comments