બગદાણાની સાથે રામજન્મ ભૂમિમાં પણ હરિહરનો નાદ: અયોધ્યામાં સોમવારથી બાપા સિતારામ અન્નક્ષેત્ર ધમધમશે
પૂ.બજરંગદાસ બાપાની પૂણ્યતિથિના અવસરે ૨૯મીથી અવધ નગરીમાં અન્નક્ષેત્રનો કરાશે પ્રારંભ : બગદાણાથી રસોયા, સહાયકો અને સ્વયંસેવકો મળી ૨૦૦ લોકોની ટીમ રવાના ભાવનગર, તા.૨૭સૌરાષ્ટ્રના ધર્મસ્થાનકો રામરોટી માટે પણ ખાસ જાણીતા છે, વિરપુર જલારામબાપા મંદિર તરફથી અયોધ્યા મંદિરમાં બિરાજમાન થયેલા ભગવાન રામલલાને કાયમને માટે થાળ ધરાવવાની જાહેરાત થઇ છે ત્યાં બગદાણા ગુરૂઆશ્રમ દ્વારા આગામી સોમવાર તા.૨૯મી જાન્યુઆરીથી બગદાણામાં બાપા સિતારામ અન્નક્ષેત્રનો પ્રારંભ થશે જ્યાં સવાર, બપોર અને સાંજ ત્રણેય ટાઇમ ભાવિકોને વિનામૂલ્યે મહાપ્રસાદ વિતરણ કરવામાં આવશે. સરકારની ખાસ મંજુરી દ્વારા આ અન્નક્ષેત્ર શરૂ થઇ રહ્યું છે જે ૬૦ દિવસ માટે ધમધમતું રહેશે.
અયોધ્યા મંદિરમાં ભગવાન રામચંદ્રજીની પ્રતિષ્ઠા સાથે દેશભરમાંથી ભાવિકોનો પ્રવાહ હવે અવધ નગરીમાં ઉમટી રહ્યો છે ત્યારે ભગવાન રામના દર્શનાર્થે આવી રહેલા ભાવિક ભક્તોની સેવામાં બગદાણા ગુરૂઆશ્રમ દ્વારા અન્નક્ષેત્ર ધમધમશે જેમાં સવારે ચા અને પૌવા, બપોરે ૧૧ થી ૪ ભોજન- મહાપ્રસાદ તેમજ સાંજે ૭ થી ૧૦માં પણ ભોજન મહાપ્રસાદ પીરસાશે. આમ સવારે નાસ્તો અને બાકીના બન્ને ટાઇમ મહાપ્રસાદ વિતરણ કરાશે. જ્યારે બગદાણાની જેમ જ ચાનો પ્રસાદ આખો દિવસ વિતરીત થશે. અયોધ્યામાં એક નવા જ વિકસાવેલા વિસ્તાર કે જેને નવી અયોધ્યા ગણવામાં આવે છે ત્યાં હાઇવે પર વિશાળ જગ્યામાં બાપા સિતારામ અન્નક્ષેત્ર તૈયાર કરાયું છે. ૨૯મીએ પૂ.બજરંગદાસબાપાની પૂણ્યતિથી છે આ દિવસથી જ અયોધ્યામાં બાપા સિતારામ અન્નક્ષેત્રનો પ્રારંભ કરાશે. અને ૬૦ દિવસ સુધી આ અન્નક્ષેત્ર ધમધમતું રહેશે. ભાવનગરથી પૂ.બાપાના ભક્તોનો પડાવ હાલ અયોધ્યામાં છે અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
નવી અયોધ્યા વિસ્તારમાં બગદાણા સહિત અન્ય ધર્મસ્થાનકોના ૬ જેટલા અન્નક્ષેત્ર લગભગ-લગભગ ૧ ફેબ્રુઆરી સુધીમાં ધમધમતા થઇ જશે. બગદાણા ગુરૂઆશ્રમ સંચાલિત બાપા સિતારામ અન્નક્ષેત્ર 29 જાન્યુઆરી થી શરૂ કરાશે. અહી ૫૦ રસોયા, ૨૫ સહાયકો તેમજ ૧૫૦ સ્વયંસેવકો સેવામાં રહેશે તેમ જાણવા મળ્યું છે. આમ હવે બગદાણા ગુરૂઆશ્રમ સાથે અયોધ્યામાં પણ બાપા સિતારામ અને હરિહરનો નાદ ગુંજશે.
Recent Comments