બગદાણા ખાતે બાપાની પુણ્યતિથિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવાની તડામાર તૈયારીઓ

લાખો આસ્થાળુંજનોના શ્રદ્ધાના કેન્દ્ર સમાન સદગુરુદેવ બજરંગદાસ બાપાના ધામ બગદાણા ખાતે બાપાની 46ની પુણ્યતિથિ મહોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવાની તડામાર તૈયારીઓ થઈ રહી છે. પ્રતિ વર્ષની જેમ પોષ વદી ચોથ ના રોજ પૂજ્ય બજરંગદાસ બાપાની પુણ્યતિથિ બડે ધામધૂમથી ઉજવવા માં આવે છે. જેના ભાગરૂપે તા. 11/1/2023 ને બુધવારના રોજ 46મી પુણ્યતિથિ મહોત્સવ ઉજવવાનું ભવ્ય આયોજન થયું છે.
ગુરુઆશ્રમ થી આ દિવસના ઘોષિત થયેલા કાર્યક્રમ મુજબ વહેલી સવારથી ધાર્મિક વિધિ સાથેના કાર્યક્રમો શરૂ થશે. જેમાં મંગળા આરતી સવારે 5 થી 5:30 કલાકે, ધ્વજા પૂજન સવારે 7:30 થી 8:15 કલાકે, ધ્વજા રોહન સવારે 8:15 થી 8:30 કલાક, તેમજ મહિમાપૂર્ણ ગુરુપૂજન સવારે 8:30 થી 9:30 કલાકે,રાજભોગ આરતી સવારે 9:30 કલાકે તેમજ પૂજ્ય બાપાની રંગદર્શી નગરયાત્રા સવારે 10:00 કલાકે શરૂ થઈને આખા બગદાણા ગામમાં ફરશે. તેમજ બાદમાં પ્રસાદ-ભોજન વિતરણ સવારના 10 કલાકથી સતત શરૂ રહેશે.
પૂજ્ય બાપાની આ પુણ્યતિથિ મહોત્સવમાં મોટી સંખ્યામાં માનવ સમુદાય ઉપસ્થિત રહેવાનો હોય અહીં સર્વ ટ્રસ્ટી મંડળની દેખરેખ હેઠળ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, દર્શન વિભાગ, ચા-પાણી, ગોપાલગ્રામ ભોજનાલય (ભાઈઓ માટે), નવા ભોજનાલય (બહેનો માટે ) તેમજ પાર્કિંગ, સુરક્ષા વગેરે વિભાગોમાં સેકડો સ્વયંસેવક ભાઈઓ બહેનો સેવા બજાવશે.
દર વર્ષની જેમ વાહન પાર્કિંગ માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. મહુવા તરફથી આવતા વાહનો માટે પોલીસ સ્ટેશનની બાજુમાં તેમજ તળાજા પાલીતાણા તરફથી આવતા વાહનો માટે ભગુડા ચોકડી બાજુ વાહન પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
એસટી વિભાગ દ્વારા પણ ખાસ બસો દોડાવવામાં આવનાર છે. એસટી વિભાગ દ્વારા જરૂરિયાત મુજબ ભાવનગર તેમજ તળાજા,પાલીતાણા, મહુવા વગેરે ડેપો માંથી ખાસ એસટી બસો આ માટે દોડાવવામાં આવશે.આકસ્મિક સંજોગો માટે 108 એમ્બ્યુલન્સ તેમજ એક ફાયર ફાઈટર પણ સ્ટેન્ડ બાય રહેશે.
આ ઉપરાંત અહીં રક્તદાન કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બેલમપર અને બગદાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પ્રાથમિક સારવાર ની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે.
પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ના ભાગરૂપે એક પીઆઇ,6 પીએસઆઇ,150 કોન્સ્ટેબલ તેમજ 100 હોમગાર્ડ દ્વારા સુરક્ષા બંદોબસ્ત રહેશે.
પૂ બાપાની પુણ્યતિથિ મહોત્સવ નિમિત્તે આ દિવસે ગુરુ આશ્રમ બગદાણા દ્વારા દર્શનાર્થે આવતા વિકલાંગ તેમજ અશક્ત લોકો માટે બંને પાર્કિંગથી ગુરુ આશ્રમ સુધી પહોંચવા માટે ખાસ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો લાભ લિકલાંગ, અશક્ત લઈ શકે છે.
Recent Comments