fbpx
ભાવનગર

બગદાણા: ગુરુપૂર્ણિમા મહોત્સવ

બગદાલમ ઋષિ, બગડેશ્વર મહાદેવ,બગદાણા ગામ, બગડ નદી ને બજરંગદાસબાપા એમ પાંચ “બ” ના સુભગ સમન્વય વાળા તીર્થસ્થળ ગુરુઆશ્રમ બગદાણા ખાતે આજે ધર્મમય માહોલ અને હર્ષોલ્લાસ સાથે હજારોની મેદની વચ્ચે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. લાખો શ્રદ્ધાળુ જનોના  હૃદય સિંહાસન પર દેવકક્ષાએ બિરાજતા સદગુરુ બજરંગદાસ બાપાની તપોભૂમિ બગદાણા ધામ ખાતે આજે ભાવિકોનું હૈયે હૈયુ દળાય તેવી ભીડ સાથે ભાવિકોનું ઘોડાપુર જોવા મળ્યું હતું.આજે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુરુઆશ્રમ ખાતે સવારના ભાગે બજરંગદાસ બાપાના દર્શનાર્થે આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રી બગદાણા ખાતે હેલિકોપ્ટર મારફતે આવી પહોંચ્યા હતા. તેમનું સર્વે ટ્રસ્ટી મંડળ સહિતનાએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું.

સદગુરુ મહારાજના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે ગત રાત્રીથી જ શ્રદ્ધાળુ જનો બગદાણા પહોંચ્યા હતા. હજારોની સાક્ષી વચ્ચે વહેલી સવારના પાંચ કલાકે મંગલા આરતી સાથે ધાર્મિક વિધિ સહિતના કાર્યક્રમનો ધમધમાટ શરૂ થયો હતો. ચિક્કાર મેદની વચ્ચે ધ્વજા પૂજન અને ધ્વજારોહણ બાદ મહિમાપૂર્ણ ગુરુપૂજન થયું હતું. જેમાં ભક્તજનોએ વિધિ સાથે ગુરૂપૂજન કર્યું હતું. આજે જાણે કે ગોહિલવાડના  તમામ માર્ગો બગદાણા તરફ ફંટાયા હતા.એસટી બસ સહિત નાના મોટા વાહનોમાં સૌ ગુરુપૂર્ણિમા મહોત્સવમાં મોટી સંખ્યામાં સામેલ થયા હતા. 

અહીં ભોજન પ્રસાદ માટે ખૂબ ઉત્તમ વ્યવસ્થા રહી હતી.ભાઈઓ અને બહેનો માટે  અલગ અલગ રસોડામાં ભોજન પ્રસાદની વ્યવસ્થા જળવાઈ હતી. જ્યાં પરંપરા અનુસાર અંગતમાં બેસીને હજારો લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. અહીં બાપાના રંગે રંગાયેલા હજારો સ્વયંસેવક ભાઈઓ બહેનોએ ખડે પગે રહીને નમૂનેદાર સેવા બજાવી હતી.  આ સિવાય દર્શન થી લઈને ચા પાણી,પાર્કિંગ તેમજ સુરક્ષા, સફાઈ વગેરે વિભાગોમાં સ્વયસેવકો નિષ્ઠાપૂર્વક સેવા બજાવતા જોવા મળ્યા હતા. આ સિવાય સમગ્ર વ્યવસ્થા માટે ગુરુ આશ્રમના સેવકો, કાર્યકરો, સર્વે ટ્રસ્ટી મંડળ સહિતના સક્રિય રહ્યા હતા. 

Follow Me:

Related Posts