બગદાણા, ગુરુ આશ્રમ દ્વારા વૃક્ષારોપણ અભિયાન
પૂજ્ય સંત બજરંગદાસ બાપાના ધામ બગદાણા ખાતે સ્વયંસેવકો દ્વારા વૃક્ષારોપણ નું મહાઅભિયાન ચાલુ ચોમાસા દરમિયાન શરૂ કરવામાં આવ્યું છે. “એક વૃક્ષ સદગુરુદેવ શ્રી બજરંગદાસ બાપાને નામ” આ સૂત્ર સાથે આશ્રમના 25,000 થી વધારે સ્વયંસેવકો દ્વારા વૃક્ષારોપણનું મહા અભિયાન શરૂ થયું છે. ગુરુઆશ્રમની પ્રેરણા અને પ્રોત્સાહન થકી આ કાર્ય અત્યારે પૂર જોશમાં ચાલુ છે. ગુરુઆશ્રમ ખાતેથી વૃક્ષના છોડનું વિતરણ નિયમિત રીતે થઈ રહ્યું છે. આગામી સને 2027 ના 25મી જાન્યુઆરીના રોજ પૂ. બાપાની પચાસની પુણ્યતિથિ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે, ત્યારે આ દિવસને સ્મૃતિ દિવસ તરીકે જાહેર કરીને આ ત્રણ વર્ષના ગાળા દરમિયાન એક લાખ ઝાડ ઉછેરવાનું વ્યવસ્થિત રીતે આયોજન ગુરુઆશ્રમ દ્વારા થયું છે. પૂ.બજરંગદાસબાપાનો બાળક પ્રેમ તેમજ પર્યાવરણ માટે નો પ્રેમ ખૂબ જાણીતો છે. વૃક્ષો વાવવાની તેને જાળવવાની અને સાચવવાની બાપાની વૃત્તિ અને પ્રવૃત્તિ શરૂ રહેવી જોઈએ , એવા ભાવ સાથે પર્યાવરણ બચાવવા માટે વૃક્ષારોપણ મહાઅભિયાન શરૂ થયું છે.
પૂ.બાપા વૃક્ષ પ્રેમી હતા. પર્યાવરણના પ્રેમી હતા. વૃક્ષોને ઉછેરવા , જાળવવા અને દેખરેખ દ્વારા પર્યાવરણની જાળવણી તેઓશ્રીએ બગદાણાના 42 વર્ષ દરમિયાન કરી છે. આ વાતનો ખૂબ પ્રચાર અને પ્રસાર થાય એ ધ્યાનમાં રાખીને ગુરૂઆશ્રમ દ્વારા આગામી ત્રણ વર્ષમાં એક લાખ વૃક્ષો વાવવાનું અને ઉછેરવાનું મહા અભીયાન છેડવામાં આવ્યું છે. ગુરુઆશ્રમ ખાતેથી લીમડો, આમલી, કરંજ,પીપળો,ઉંબરા, બોરસલી જેવા દેશી કુળના વૃક્ષો ફાળવવામાં આવીરહ્યા છે.ચાલુ ચાલે આ ચોમાસા દરમિયાન ગુરુ આશ્રમના પરિસર તેમજ આશ્રમથી રાળગોન અને મોણપર ગામના રસ્તાની બંને બાજુ એક કિલોમીટર, ઉપરાંત સંસ્થાના પાર્કિંગ એરિયા, બગદાણાની આજુબાજુના રસ્તાઓ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર( દવાખાનું), મોક્ષધામ, હાઇસ્કુલ ખાતે 11,000 વૃક્ષોનું વાવેતર કરી દેવામાં આવ્યું છે. આ જ રીતે આ ચાલુ ચોમાસા દરમિયાન 30 હજાર વૃક્ષોનું વ્યવસ્થિત રીતે આયોજન કરી વૃક્ષારોપણ કરવામાં આવનાર છે. આ રીતે આગામી ત્રણ વર્ષમાં એક લાખ વૃક્ષો નો ઉછેર કરવામાં આવશે. આ સાથે આશ્રમ સાથે જોડાયેલા ગુરુ ભાઈઓ, આશ્રમના સ્વયંસેવકો, બાપાનો શ્રદ્ધાળુ પરિવાર, યાત્રિકો, બાપામાં શ્રદ્ધા રાખતા સૌ કોઈ સહિતના બધાને ગામડે ગામડે વૃક્ષારોપણ કરવા માટે વિનંતી કરવામાં આવી છે. રેકોર્ડ માટે વૃક્ષના છોડવા રોપીને તેની સાથે સેલ્ફી ફોટો લઈને ગુરૃ આશ્રમના નંબર ઉપર whatsapp કરવા પણ જણાવ્યું છે. નોંધનીય છે કે સમાજમાં ધર્મ, અધ્યાત્મ અને સંસ્કારનું સિંચન કરતી સંસ્થા દ્વારા પર્યાવરણની આ પ્રવૃત્તિ ખૂબ ઉલ્લેખનીય બની રહેશે.
Recent Comments