બગદાલમ ઋષિ,બગડેશ્વર મહાદેવ,બગડ નદી, બગદાણા ગામ અને બજરંગદાસ બાપા એમ જ્યાં પાંચ “બ”નો સુભગ સમન્વય થયો છે તેવી પવિત્ર ભૂમિ પર આજે બગદાણા ગામ ખાતે બજરંગદાસ બાપાની 46 ની પુણ્યતિથિ મહોત્સવની હજારો ભાવિકોની હાજરીમાં ઉત્સાહ્પૂર્ણ માહોલ વચ્ચે હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી.
લાખો શ્રદ્ધાળુ ભક્તજનોના રુદિયામાં દેવ કક્ષાએ બિરાજમાન સદગુરુદેવ બજરંગદાસ બાપાની તપોભૂમિ ગુરુ આશ્રમ ખાતે મહોત્સવમાં ગત રાત્રિથી જ યાત્રિકોનો ભારે જમાવડો થયો હતો.હૈયેહૈયું દળાય એવી મેદની વચ્ચે વહેલી સવારના મંગલ પ્રભાતે આરતી,ધ્વજા પૂજન અને મહિમા પૂર્ણ ગુરુપૂજન શાસ્ત્રોત વિધિ વિધાન પ્રમાણે પૂર્ણ થયા હતા. અહીં ગુરુપૂજન બાદ બાપાને અતિવ્હાલી એવી કુમારીકા દીકરીઓ દ્વારા આરતી કરવામાં આવી હતી. જેમાં મહિલા પોલીસ પણ જોડાયા હતા. આ વેળાએ ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી મનજીદાદાએ ગુરુ મહિમા સાથે મનનીય પ્રવચન આપ્યું હતું.
બાદમાં ઉમંગ ઉલ્લાસ સાથે પ્રારંભ થયેલી પૂ.બાપાની નગરયાત્રામાં સૌ સામેલ થયા હતા. ઢોલ-ત્રાસા અને ડીજેના તાલ સાથેની રંગદર્શી નગરયાત્રામાં ગુલાલના રંગ સાથે ચોકલેટ પીપરમેન્ટ ઉડતી રહી હતી. આ નગરયાત્રા બગદાણા ગામમાં ફરી હતી. બાપા સીતારામ ના ગગનભેદી નારાઓ સાથેની નગરયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.
ભોજનાલય વિભાગમાં ગુરુઆશ્રમની પરંપરા પ્રમાણે ભાવિકોએ પંગતમાં બેસીને ભોજન પ્રસાદ લીધો હતો. રસોડા વિભાગ સહિત અન્ય અલગ અલગ વિભાગોમાં 7000 ઉપરાંત તાલીમ બદ્ધ સ્વયંસેવકો ભાઈ બહેનોની બેનમૂન અને સરાહનીય સેવા મળી હતી. પોલીસ વિભાગ સહિત સરકારી તંત્રની પણ નોંધનીય કામગીરી રહી હતી.


















Recent Comments