fbpx
અમરેલી

બગસરાના શાપર ગામના પ્રગતિશીલ ખેડૂતસંજયભાઈ સુદાણીએ સરકારી સહાય થકી ૭ વીઘા જમીનમાં બારાહી ખારેકના ૧૩૦ પ્લાન્ટનું વાવેતર કર્યુ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનના પગલે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન શરુ છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી સાથે જોડવા માટે વિશેષ અભિયાન અપનાવવામાં આવ્યું છે, ત્યારે અમરેલી જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીની પહેલને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે. જિલ્લાના અનેક પ્રગતિશીલ ખેડૂતો હવે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, જેમાં ખેડૂતોએ બાગાયતી પાકોનું વાવેતર કરી નવા અભિગમને અપનાવ્યો છે.

     અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના શાપર ગામના વતની અને પ્રગતિશીલ ખેડૂત શ્રી સંજયભાઈ સુદાણીએ, ૭ વીઘા જમીનમાં બારાહી ખારેકના ૧૨૫ માદા અને ૫ નર પ્લાન્ટસ સહિત ૧૩૦ પ્લાન્ટસનું વાવેતર કરી ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. રાજય સરકારના બાગાયત વિભાગની વિવિધ સહાયકીય યોજનાઓ અન્વયે ખેડૂત શ્રી સુદાણીભાઇને ૧૨૫ બારાહી પ્લાન્ટ્સ માટે પ્લાન્ટ દીઠ રુ.૧૨૫૦ એમ રુ.૧,૫૬,૨૫૦ની સહાય પ્રાપ્ત થઈ છે.

      પ્રગતિશીલ ખેડૂત શ્રી સંજયભાઈ સુદાણીએ જણાવ્યુ કે, ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ થકી જમીનની ફળદ્રુપતા વધી રહી છે, ૭ વીઘા જમીનમાં સરકારની સહાય થકી બારાહી ખારેકના પ્લાન્ટનું વાવેતર શક્ય બન્યું હતુ. શ્રી સંજયભાઈએ બારાહી ખારેકના પ્લાન્ટની (રોપાઓ) અતુલ કંપની વલસાડ ખાતેથી ખરીદી કરી છે. હું પરંપરાગત ખેતી કરતો હતો પરંતુ ઉત્પાદનની સરખામણીમાં ખર્ચ વધુ થતો હતો. કચ્છ ખાતે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરતા કેટલાક ખેડૂતોની મુલાકાત પણ કરી હતી અને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતુ. શ્રી સંજયભાઈ પાસે હાલમાં ૩ દેશી ગાય છે. આ દેશી ગાયના છાણ, ગૌમૂત્ર, દેશી ગોળ, બેસન, પાણી સહિતના મિશ્રણથી જીવામૃત તૈયાર કરે છે. દર ૩૦ દિવસે આ જીવામૃત બારાહી ખારેકના પ્લાન્ટને આપવામાં આવે છે. શ્રી સંજયભાઈએ કહ્યુ કે, તેમણે વર્ષ-૨૦૧૯માં ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવી હતી. ગત વર્ષે આશરે ૭૦ મણ ખારેકનું ઉત્પાદન થયુ હતુ. તેમણે ચાલુ વર્ષમાં અને ચાલુ સીઝનમાં ઉત્પાદન વધવાનો આત્મ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સમયની માગ અનુસાર સૌ ખેડૂતો ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવે તે જરુરી છે. રાજય સરકારના પ્રાકૃતિક કૃષિ માટેના આગવા અને ઉમદા અભિગમ તેમજ  પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે સહાય આપવા માટે રાજય સરકારનો  આભાર વ્યક્ત કર્યો હતો.

      જિલ્લા નાયબ બાગાયત નિયામક શ્રી જયરાજસિંહ વાળા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ કે, બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓ અંતર્ગત જિલ્લાના ખેડૂતો અરજી કરતા હોય છે. જિલ્લામાં છેલ્લા ૮ થી ૧૦ વર્ષથી બાગાયત પાકોનું વાવેતર થાય છે. જિલ્લામાં અંદાજે ૨૦ જેટલા ખેડૂતોને સંકલિત બાગાયત વિકાસ યોજના અંતર્ગત સહાય પ્રાપ્ત થઈ છે. ડ્રેગનફ્રૂટ, ખારેક સહિતના બાગાયત પાકો માટે જિલ્લાની જમીન અને આબોહવા અનુકૂળ છે. સંકલિત બાગાયત વિકાસ યોજના અન્વયે સહાયની રકમમાં પણ વધારો થયો છે.

     ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં રાસાયણિક ખાતર, દવાઓના ઉપયોગ થતો નથી અને જમીનની ફળદ્રુપતામાં ઉમેરો થાય છે, ખેતી ખર્ચ ઘટે છે. ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ઉત્પાદિત પાકની બજારમાં માંગ પણ રહે છે, તેથી ખેડૂતની આવકમાં ઉમેરો થાય છે.

Follow Me:

Related Posts