ગુજરાત

બજરંગ દળના સંયોજક સહિત ૫ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ

ભારતીય સંસ્કૃતિના પ્રચાર અર્થે ગાંધીનગરમાં બજરંગ દળના કાર્યકરોએ હાથમાં લાકડીઓ લઈને ગઈકાલે વેલેન્ટાઈન ડેની ઉજવણી માટે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન તથા અલગ અલગ જાહેર જગ્યાએ એકઠા થયેલા યુગલોને ધમકાવી ભગાડી મૂકવાના મામલે સેકટર – ૭ પોલીસે ગાંધીનગર બજરંગ દળના સંયોજક સહિત પાંચ કાર્યકરો વિરુદ્ધમાં જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દેશભરમાં ગઈકાલે ચૌદમી ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભારતીય સંસ્કૃતિનાં પ્રચાર અર્થે બજરંગ દળના કાર્યકરોએ વિરોધ કરવામાં આવ્યો હતો.

જે અન્વયે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન તથા અલગ અલગ જાહેર જગ્યાએ બજરંગ દળના કાર્યકરોએ મોટી સંખ્યામાં એકઠા થઈ હાથમાં લાકડીઓ લઈને વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતાં યુગલોને ધમકાવીને ભગાડી મૂકવામાં આવ્યા હતા. જે મતલબના અહેવાલો ન્યૂઝ ચેનલો તેમજ સોશિયલ મીડિયામાં પ્રકાશિત થતા જ સેકટર – ૭ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. અને જાહેરમાં લાકડીઓ લઈને ફરતા બજરંગ દળના કાર્યકરો સામે કાનુની કાર્યવાહી હાથ ધરવામાં દોડતી થઇ હતી. સેકટર – ૭ પોલીસે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન નજીક તપાસ કરતા જાણવા મળેલ કે, બજરંગ દળના સભ્યો સવારના સાડા દસેક વાગે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન નજીક તેમજ અલગ અલગ જગ્યાએ બેસેલ છોકરા-છોકરીઓને ધમકાવી ભગાડતા હતા.

જેથી વીડીયોમાં દેખાતા કાર્યકરો બાબતે બજરંગ દળના સેકટર – ૩ ખાતે રહેતાં ગણપતસિંહ અર્જુનસિંહ વાઘેલાની પૂછતાંછ હાથ ધરવામાં આવી હતી. જેમાં વિડિઓમાં દેખાતા બજરંગ દળના કાર્યકરો પૈકી ગાંધીનગરના સંયોજક શક્તિસિંહ ઝાલા તેમજ હિતેન્દ્રસિંહ રતનસિંહ વાઘેલા ગજેન્દ્રસિંહ રઘુનાથસિંહ રહેવર, ભાર્ગવ સચિનભાઇ પટેલ અને કેયુર દિપકકુમાર જાની હોવાનુ ફલિત થયું હતું.

જે અન્વયે પોલીસે ઉપરોક્ત કાર્યકરોએ ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લાકડીઓ લઇ ભારતીય સંસ્કૃતિના પ્રચાર અર્થે વેલેન્ટાઇન ડે દિવસની ઉજવણી માટે ભેગા થયેલ છોકરા-છોકરીઓને ધમકાવી સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન તથા અલગ અલગ જાહેર જગ્યાએથી ભગાડી અધીક જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતાં તેમના વિરુદ્ધ ઇપીકો કલમ ૧૪૩ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Posts