બનાવટી આધાર કાર્ડના ઉપયોગથી સંસદ સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસસુરક્ષા દળો દ્વારા સંસદ ભવનની સુરક્ષામાં ભંગ કરવાના પ્રયાસ કરનાર ૩ ની ધરપકડ
સંસદ ભવનમાં ઘૂસવાના પ્રયાસને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો છે. વાસ્તવમાં, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ)ના જવાનોએ નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને સર્વોચ્ચ સુરક્ષાવાળા સંસદ સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા ત્રણ મજૂરોને પકડી લેવામાં આવ્યા હતા, સત્તાવાર સુત્રોએ આ માહિતી આપી. દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલ પ્રાથમિક તપાસમાં કાસિમ, મોનિસ અને શોએબ નામના ત્રણ લોકોની ધરપકડ કરી છે અને તેમની સામે બનાવટી અને છેતરપિંડી સંબંધિત ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.
મંગળવારે, ત્રણ વ્યક્તિઓને સીઆઈએસએફ જવાનો દ્વારા સંસદ ભવનના એક પ્રવેશ દ્વાર પર સુરક્ષા અને ઓળખ કાર્ડની તપાસ દરમિયાન અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ત્રણેય પોતપોતાના આધાર કાર્ડ બતાવીને સંસદ ભવન સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સીઆઈએસએફ ના જવાનોને તેના કાર્ડ પર શંકા ગઈ અને વધુ તપાસમાં તે નકલી હોવાનું જાણવા મળ્યું. હાલમાં જ સીઆરપીએફ અને દિલ્હી પોલીસની ટુકડીની જગ્યાએ સીઆઈએસએફને સંસદ ભવનની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સંસદ ભવન સંકુલની અંદર એમપી લાઉન્જના નિર્માણ માટે ‘ડીવી પ્રોજેક્ટ્સ લિમિટેડ’ દ્વારા ત્રણેય લોકોને નીકરી પર રાખવામાં આવ્યા હતા.
આ પહેલીવાર નથી કે જ્યારે સંસદની સુરક્ષામાં ભંગ કરવાના પ્રયાસનો મામલો સામે આવ્યો હોય. ગયા વર્ષે જ સુરક્ષા ભંગનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો અને આ વર્ષે ૪ જૂનના રોજ ત્રણ શખ્સ દ્વારા નકલી આધારકાર્ડનો ઉપયોગ કરી સંસદ સંકુલ કથિત રીતે પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સીઆઈએસએફ જવાનો દ્વારા ત્રણેય પર શંકા જતા પોલીસને સોંપ્યા. હવે પોલીસ આ મામલાની વધુ તપાસ હાથ ધરશે.
ગયા વર્ષે ૧૩ ડિસેમ્બર ના રોજ બે યુવકોએ સંસદમાં અંદર ઓડિયન્સ ગેલેરીમાંથી ડેસ્ક પર કૂદીને કલર સ્મોગ પણ છોડ્યો હતો. આ દરમિયાન આખો હોલ ધુમાડાથી ભરાઈ ગયો હતો. ત્યારથી સંસદની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જો કે, આ લોકોને ત્યાં હાજર સુરક્ષા દળોએ પકડી લીધા હતા અને તેમના સિવાય અન્ય સહયોગીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓએ જણાવ્યું હતું કે તેમનો ઉદેશ્ય મણિપુર હિંસા, બેરોજગારી અને ખેડૂતોની સમસ્યાઓ તરફ ધ્યાન દોરવાનો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં ૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Recent Comments