ગુજરાત

બરોડા ડેરીના પાર્લરમાં લૂંટારુ ત્રાટક્યાઃ ૧.૫૦ લાખ રોકડની લૂંટ ચલાવી ફરાર

વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલા બરોડા ડેરીના દૂધના પાર્લરમાં વહેલી સવારે ત્રાટકેલી લૂંટારૂ ટોળકી સંચાલકને બાનમાં લઇ રૂપિયા ૧.૫૦ લાખ રોકડની લૂંટ ચલાવી ફરાર થઇ ગઇ હતી. વહેલી સવારે ૬ઃ૩૦ વાગ્યે થયેલી લૂંટની ઘટનાએ ચકચાર જગાવી મૂકી હતી. જાેકે, પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ કરતા લૂંટનું તરકટ રચવામાં આવ્યું હોવનું અનુમાન લગાવી તપાસ કરવામાં આવી રહી છે.

વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવની વિગત એવી છે કે, દર્શનમ પ્લાઝા કોમ્પ્લેક્ષમાં બરોડા ડેરીના દૂધનું પાર્લર આવેલું છે. પાર્લરના સંચાલક મયુરીબેન ટેલર રાબેતા મુજબ સવારે ૬ઃ૩૦ વાગ્યે પાર્લર ઉપર ગયા હતા અને પાર્લર ખોલતાની સાથે જ બાઇક ઉપર લૂંટારૂઓ ધસી આવ્યા હતા અને સંચાલકને ધમકી આપીને ચાકુની અણીએ બાનમાં લઇને પાર્લરના ગલ્લામાંથી રૂપિયા ૧.૫૦ લાખ રોકડની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

વહેલી સવારે બનેલા લૂંટના બનાવની જાણ વિસ્તારમાં થતાં સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. તે સાથે આ બનાવની જાણ મકરપુરા પોલીસને થતાં તુરંત જ સ્થળ પર દોડી ગઇ હતી. તે સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા અને પાર્લરના મહિલા સંચાલક પાસેથી પ્રાથમિક વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી. બીજી બાજુ પોલીસે પાર્લર પાસેથી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરતા લૂંટનું તરકટ રચવામાં આવ્યું હોવાનું અનુમાન લગાવ્યું હતું.
જાેકે, પોલીસે પાર્લર સંચાલક મહિલાએ આપેલી માહિતીના આધારે ૧.૫૦ લાખ રૂપિયા રોકડની લૂંટ ચલાવી ફરાર થઇ ગયેલી ટોળકીને ઝડપી પાડવા વિવિધ ટીમો બનાવી તપાસનો દોર શરૂ કરી દીધો છે. જાેકે, પોલીસને હજી સુધી લૂંટ અંગેની કોઇ કડી મળી નથી. પરંતુ, ગણતરીના કલાકોમાં પાર્લરમાં ખરેખર લૂંટ થઇ છે કે, પાર્લર સંચાલક મહિલા દ્વારા લૂંટનું તરકટ રચવામાં આવ્યું છે. તે બહાર આવી જશે.

Related Posts