બસમાંથી કરોડોની લૂંટનો મુખ્ય સૂત્રધાર સુરતથી ઝડપાયો
અમદાવાદ ગ્રામ્યના હાઈવે પર થયેલ કરોડોની રોકડ સહિત હીરાની લૂંટ પ્રકરણમાં મુખ્ય સૂત્રધારને સુરત પોલીસે કાપોદ્રા ખાતેથી ઝડપી પાડ્યો છે. મુખ્ય સૂત્રધાર અગાઉ ટ્રાવેલ્સની ઓફિસમાં હિસાબ-કિતાબનો ધંધો કરતો હતો અને ટ્રાવેલ્સ મારફતે સાત સાત અંગાડીયા પેઢીમાં કરોડોના હીરા અને રોકડની સુરત ખાતે હેરાફેરી કરવામાં આવતી હતી. આ બાબતથી આરોપી વાકેફ હોય તેણે અન્ય માણસોને તૈયાર કરી લૂંટનું પ્લાનિંગ તૈયાર કર્યું હોવાનું આપી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ તપાસમાં આરોપીને ધંધામાં નુકસાન જતા દેવું વધી જવાથી તેણે હાઈવે પર લૂંટ કરાવડાવી હતી. ૧૯ ઓક્ટોબરના રોજ રાત્રિએ અંદાજે અમદાવાદ ગ્રામ્ય કોઠા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા બુંદી ગામ પાસેથી પસાર થતા હાઈવે પર ખૂબ જ ચકચારી લૂંટની ઘટના બની હતી. અમરેલીથી સુરત જતી રામદેવ ટ્રાવેલ્સની બસમાં લૂંટની ઘટના સામે આવી હતી.
બસની અંદર લૂંટ અને ધાડ પાડવાના ઇરાદાથી હથિયારો સાથે પેસેન્જરના સ્વાંગમાં મુસાફરી કરી રહેલા લૂંટારોએ બસમાં બેસેલ આંગણીયા પેઢીના કર્મચારીઓ સાથે બે કરોડથી વધુના હીરા અને રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ ગુનામાં લૂંટના મુદ્દામાલ સાથે નવ જેટલા લૂંટારુઓ આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને આણંદ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. જેની સઘન પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ આખી લૂંટનો મુખ્ય સૂત્રધાર અને પ્લાન ઘડનાર, ટીપ આપનાર આરોપી સુરત ખાતે રહે છે. આથી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવા માટે સુરત પોલીસને ખાસ સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત સુરત પોલીસની ટીમે બાતમીના આધારે લૂંટનો મુખ્ય સૂત્રધાર હિરેન ધીરુભાઈ આકોલીયાને કાપોદ્રા રચના સર્કલ પાસેથી ઝડપી પાડ્યો હતો. લૂંટના મુખ્ય સૂત્રધારને જાણ થઈ ગઈ હતી કે, પોતાનું નામ ખુલી ગયું છે.
આથી તે સુરત છોડી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે પહેલા જ સુરત પીસીબી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. સુરત પીસીબી પોલીસ દ્વારા લૂંટના મુખ્ય સૂત્રધાર હિરેન આકોલીયાની ધરપકડ કર્યા બાદ તેની સઘન પૂછપરછ હાથ ધરતા પોલીસ સામે ચોંકાવનારી વિગત સામે આવી હતી. આરોપી હિરેન આકોલિયાની કરતૂતના ખુલાસાની સુરત પોલીસ કમિશનર દ્વારા વિગત આપતા જણાવ્યું હતું કે, આરોપી હિરેન વર્ષ ૨૦૧૧થી સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ રામદેવ ટ્રાવેલ્સના માલિક રમેશભાઈ વસોયાની ઓફિસમાં હિસાબ કિતાબનું કામકાજ કરતો હતો. આ દરમિયાન તેને જાણવા મળેલ કે અમરેલી ખાતેથી રોજ સાત આંગણીયા પેઢીવાળા સુરત ખાતે હીરા તથા રોકડ રકમની મોટાપાયે હેરાફેરી આ ટ્રાવેલ્સમાં કરી રહ્યા છે. દિવાળીના સમયમાં આંગણીયા પેઢીના કર્મચારીઓ પાસે રૂપિયા પણ વધારે હોવાની માહિતીથી તે પૂર્ણ વાકેફ હતો.
તેમજ અમરેલીથી સુરતના રસ્તાથી પણ પૂર્ણ રીતે વાકેફ હતો. રામદેવ ટ્રાવેલ્સના માલિક તેને પગાર ઓછો આપતા હતા અને સમયસર આપતા ન હોવાનું તેણે જણાવ્યું હતું. આથી વર્ષ ૨૦૨૦માં રામદેવ ટ્રાવેલ્સની નોકરી છોડી દીધી હતી અને રેતીનો ધંધો શરૂ કરી દીધો હતો. સુરત પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, પકડાયેલ આરોપી હિરેને વર્ષ ૨૦૨૦માં રામદેવ ટ્રાવેલ્સની નોકરી છોડી દીધા બાદ કમિશન પર રેતીનો ધંધો શરૂ કર્યો હતો. પરંતુ લોકડાઉનના કારણે ધંધો બંધ થઈ જતા હિરેન પર ૪૦ લાખ જેટલું દેવું થઈ ગયું હતું. જે શોર્ટકટમાં રૂપિયા કમાયને કેવી રીતે ચૂકવી શકાય તેના ઉપાય શોધતો હતો. દરમિયાન અમદાવાદ ખાતે રહેતો રાજુ હઠીલા નામના તેના મિત્ર સાથે મળી સમગ્ર દેવા વિશે વાત કરી હતી.
બાદમાં ટ્રાવેલમાં આવતા કરોડોના રૂપિયા અને હીરાની વાત જણાવી હતી. આથી તેના મિત્રના કોન્ટેકમાં રહેલ મહારાષ્ટ્રની એક લૂંટ કરતી ગેંગ સાથે સંપર્ક કર્યો હતો. બાદમાં બસમાં લૂંટ કરવાની સમગ્ર હકિકત જણાવી લૂંટનો પ્લાન તૈયાર કર્યો હતો. જેને લઈ મહારાષ્ટ્રના નાસિકથી ૧૬ માણસોની ગેંગના સભ્યોને કામરેજ ખાતે બોલાવવામાં આવ્યા હતા. બાદમાં અમરેલીથી આવતી લક્ઝરી બસમાં કઈ તારીખે રૂપિયા વધારે આવશે અને તે ટ્રાવેલ્સને કઈ જગ્યાએ કેવી રીતે લૂંટવી તે તમામ પ્લાન હિરેને જાતે ઘડીને લૂંટારોને આપ્યો હતો. આ પ્લાન મુજબ ૧૧ લૂંટારુંઓએ અમદાવાદ ગ્રામ્ય હાઈવે પર રામદેવ ટ્રાવેલ્સ બસમાં લૂંટને અંજામ આપ્યો હતો.
Recent Comments