બાબરા તાલુકામાં અતિવૃષ્ટિ સહાય મુદ્દે કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન
અતિવૃષ્ટિ સહાય પેકેજમાંથી અમરેલી જિલ્લાને બાકાત રખાતા બાબરા તાલુકામાં
આજે તાલુકા કોંગ્રેસ સમિતિ અને આમ આદમી પાર્ટી દ્વારા સંયુક્ત રીતે વિશાળ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમરની આગેવાની હેઠળ “ભાજપ હાય હાય” અને “ખેડૂતોને બરબાદ કર્યા”ના સૂત્રોચાર સાથે મામલતદાર કચેરી સુધી રેલી યોજાઈ હતી. તાલુકાના ૫૮ ગામોમાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાન અંગે રાજ્યપાલને સંબોધીને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે ઓગસ્ટ માસથી અત્યાર સુધી થયેલા વરસાદથી ખેતી પાકો અને મિલકતોને ભારે નુકસાન થયું છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા પેકેજમાં માત્ર ઓગસ્ટ માસ સુધીના નુકસાનનો સમાવેશ કરાયો છે, જે ખેડૂતો સાથે અન્યાય સમાન છે. પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમરે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, “ઉદ્યોગપતિઓના કરજ માફ કરનારી સરકાર ખેડૂતો માટે નિર્દય બની છે.” તેમણે વીજળી કનેક્શન, રસ્તાઓ, શિક્ષણ, આરોગ્ય સહિતની સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું હતું. કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રમુખો જસમતભાઈ ચોવટિયા, કૌશિકભાઈ ભરાડ સહિત બાવાલાલ હિરપરા, વિવેકભાઈ સાકરિયા, રાજુભાઈ ખાત્રોજા તેમજ ૨૦૦થી વધુ ખેડૂત આગેવાનો, સરપંચો અને શહેર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments