શ્રી સર્વોદય આશ્રમ બાબાપુરમાં હિન્દુ-મુસ્લિમ એકતાને ઉજાગર કરતો શ્રી વિશ્વગ્રામ સંસ્થા તેમજ શ્રી સર્વોદય સરસ્વતી મંદિર, બાબાપુરના સંયુકત ઉપક્રમે “નરસિંહ સે ગાંધી તક” યાત્રા અંતર્ગત “સ્નેહ સંગીત યાત્રા” નામે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમના પ્રારંભમાં હિમાંશુભાઈ જોષીએ સ્વાગત પ્રવચન આપ્યું. તે પછી આ યાત્રામાં મુખ્ય ગાયક અને હાર્મોનિયમ વાદક કાશ્મીરી સૂફી ગાયક જનાબ ગુલઝાર અહમદ ગનાઈ સૌના આકર્ષણને અહોભાવનું મુખ્ય કેન્દ્ર રહયા. એમાં વિવિધ વાદ્યોને વગાડવાની અને ગાવાની બેવડી ભૂમિકા અદા કરનાર ઉસ્તાદોએ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા. સંગીતવાદક સબીર અહેમદ અહાંગર,રબાબવાદક નજીર અહેમદ લોને, સારંગીવાદક બિલાલ અહેમદ નઝર, મટકાવાદક વસીમ અકરમ શાહ, તુંબકનારીવાદક મોહમ્મદ સાદીક શાહ. ઉપરોકત સમગ્ર સ્નેહસંગીત યાત્રાના ગૃપે ઉર્દુ, કાશ્મીરી અને હિન્દી ભાષાની સૂફી કવ્વાલી તેમજ હિન્દી કવ્વાલીઓ ગાઈને શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરી દીધા. કાર્યક્રમની મઘ્યમાં કાશ્મીરી અને બોડો ભાષામાં અનુવાદિત ગાંધીજીની આત્મકથા “સત્યના પ્રયોગો”નું વિમોચન કરવામાં આવ્યું. વિશ્વગ્રામ સંસ્થાના સ્થાપક સંજયભાઈ ભાવસારે કટર હિન્દુ- મુસ્લિમ ધર્મનેતાઓ કે રાજનેતાઓની અને પ્રજાની આંખ ઉઘાડી નાંખે તેવી ભાષામાં કેટલીક ભાગ્યે જ કોઈને પચે કે કોઈ સ્વીકારે તેવી પણ હૃદય સોંસરવી ઉતરી જાય તેવી કડવી પણ કલ્યાણકારી કેટલીક વાતો સાચા હૃદયથી કરી. જે સૌને સ્પર્શી ગઈ. જાણીતા વિચારક કુમાર પ્રશાંતભાઈએ પ્રેરક ઉદબોધન કર્યું. ત્યારબાદ સર્વોદય સરસ્વતી મંદિર બાબાપુર સંસ્થાના નિયામક મંદાકિનીબેન પુરોહિતે સૌનો આભાર માન્યો હતો. કાર્યક્રમના અંતમાં નરસિંહ મહેતા રચિતને ગાંધીજીને અત્યંત પ્રિય ભજન “વૈષ્ણવજન”ની રજૂઆત કાશ્મીરી ભાષામાં કરવામાં આવી.
બાબાપુરનાં સર્વોદય આશ્રમ ખાતે ‘સ્નેહ સંગીત યાત્રા’ કાર્યક્રમ યોજાયો

Recent Comments