બારેજા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ દુર્ઘટનામાં મૃત્યુઆંક ૮ થયો
અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના બારેજા- મહિજડા રોડ પર પતરાંના મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા એક જ પરિવારના સાત લોકોના મોત થયા હતા. મંગળવારે રાતે બનેલી ઘટનામાં ગુરુવારે સારવાર દરમ્યાન ત્રણ, શુક્રવારે ચાર અને આજે સવારે વધુ એક મહિલા સીમાબાઈ અહીરવાર (ઉ.વ.૨૫) નું સારવાર દરમ્યાન મોત થતા કુલ મૃત્યુઆંક ૮ પર પહોંચ્યો છે. ઘટનાનો ભોગ બનેલા મધ્યપ્રદેશના પરિવારમાં શોક ફેલાયો છે.
ઘટનાની જાણ થતાં અસલાલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અસલાલી પોલીસ સ્ટેશનના પીઆઇ પી.આર.જાડેજાએ જણાવ્યું હતું કે પરિવાર મકાનમાં સૂતો હતો અને ગેસ લીકેજથી બ્લાસ્ટ થતા ૭ લોકોના સારવાર દરમ્યાન મોત થયા હતા. આજે વધુ એકનું મોત થયું છે. પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. દસક્રોઈ તાલુકાના બારેજા- મહિજડા રોડ પર મૂળ મધ્યપ્રદેશના રહેવાસી પરિવાર પતરાંના મકાન બનાવીને રહેતા હતા.
મંગળવારે રાતે પરિવારના મકાનમાં ગેસ સિલિન્ડર ચાલુ રહેતા લીકેજ થયું હતું. પાડોશમાં રહેતા પરિવારને ગંધ આવતા તેઓએ દરવાજાે ખખડાવ્યો હતો અને તેમાં ઘરમાંથી લાઈટ ચાલુ કરતા જ મોટો બ્લાસ્ટ થયો હતો. ઘરમાં સુતેલા ૪ બાળકો સહિત ૧૦ લોકોને ગંભીર ઇજા થઇ હતી. ઘરના પતરા ઉડી ગયા હતા. બધો સામાન ઘરની બહાર ઉડીને પડ્યો હતો. તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે અસલાલી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. સારવાર દરમ્યાન ૭ લોકોના આ ઘટનામાં મોત થયા હતા અને આજે અસારવા સિવિલ હોસ્પિટલમાં વધુ એક મહિલાનું મોત થયું હતું.
Recent Comments