ગુજરાત

બાળકો માટે વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ચિલ્ડ્રન રૂમ તૈયાર કરાયો

રાજ્યમાં વિવિધ જગ્યાએ મહિલા પોલીસકર્મચારી પોતાનાં બાળકો સાથે ફરજ બજાવતી જાેવા મળે છે અથવા તો મહિલા પોલીસકર્મચારી પોતાના બાળકને ઘરે એકલા મૂકી ફરજ પર આવવા મજબૂર હોય છે, ત્યારે તેમનું પૂરેપૂરું ધ્યાન કામ પર રહેતું નથી, જેથી વડોદરા પોલીસે મહિલા પોલીસકર્મચારીઓનાં બાળકો માટે પોલીસ સ્ટેશનમાં જ ચિલ્ડ્રન રૂમ બનાવી એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે, જેથી મહિલા પોલીસકર્મચારીઓ એકાગ્રતાથી કામમાં ધ્યાન આપી શકે.

વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશન સહિતના પોલીસ સ્ટેશનોમાં ચિલ્ડ્રન રૂમ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં બાળકોને રમવા માટે રમકડાં અને સાઇકલ છે, તો દીવાલ પર કાર્ટૂનવાળાં સ્ટિકર લગાવાયા છે તેમજ બાળકો રમવાની સાથે ભણી શકે એવાં પણ સ્ટિકર લગાવાયાં છે. ચિલ્ડ્રન રૂમને રંગબેરંગી ગુબ્બારા અને પટ્ટીથી શણગારાયો છે, જેમાં બાળકો રમી રહ્યાં છે.

પોલીસ સ્ટેશનમાં બનાવાયેલા ચિલ્ડ્રન રૂમમાં ના માત્ર મહિલા પોલીસકર્મચારીનાં બાળકો, પરંતુ અરજદારો કે આરોપીઓનાં બાળકોને પણ રાખવામાં આવે છે. તેમના માટે રૂમમાં બેસી રમીને મનોરંજન મેળવી શકે એવી વ્યવસ્થા કરાઇ છે. ચિલ્ડ્રન રૂમમાં પોલીસકર્મચારીઓનાં બાળકો રમે છે. મહત્ત્વની વાત છે કે હવે મહિલા પોલીસકર્મચારીઓ પોતાનાં નાનાં બાળકોને ઘરે મૂકીને આવવાને બદલે પોલીસ સ્ટેશને લઇને આવે છે અને પોતાની આંખની સામે જ ચિલ્ડ્રન રૂમમાં બાળકોને રમવા છોડી દે છે.

સયાજીગંજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર વી.બી. આલ કહે છે, પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ચિલ્ડ્રન રૂમ તૈયાર કરાયો છે, જેનાથી બાળકોના મનમાં પોલીસ પ્રત્યેનો જે ડર કાઢી શકાય છે અને પોતાનાં બાળકોને અહીં મૂકીને મહિલા કર્મચારીઓ પોતાની ફરજ બજાવી શકે છે.

Related Posts