બીઓબીના એટીએમમાં ૧૦૦ રૂપિયા કાઢતા નીકળ્યા ૫૦૦, કલાકમાં ૨૦ લોકોએ ખંખેર્યું એટીએમ
પાલનપુર પાટિયા ખાતે બેન્ક ઓફ બરોડાના એટીએમમાંથી વધારે રૂપિયા નિકળતા બેંકના મેનેજરો દોડતા થઈ ગયા હતા. એટીએમમાં ટેક્નિકલ ખામીથી ૨૦થી વધુ લોકો દ્વારા વધુ રૂપિયા બહાર નીકળી ગયાનું બેંક મેનેજરે જણાવ્યું હતું. બેન્ક ઓફ બરોડાના પાલનપુર પાટિયા ખાતેની બ્રાંચના એટીએમમાં એક ટેક્નિકલ ખામીને કારણે એટીએમમાંથી વધારે રૂપિયા નીકળી રહ્યા હતાં. એટીએમમાં રૂપિયાં કાઢવા જેટલી રકમ નાંખી હોય તેના કરતાં વધારે રૂપિયા નિકળી રહ્યા હતાં. આ રીતે બીઓબીના એટીએમમાંથી ૨૦ લોકો દ્વારા રૂપિયા ઉપાડાયા હતાં. અંદાજે ૬૦ હજાર આસપાસ આ રકમ હોવાની શક્યતા છે. બેન્કના અધિકારીઓને જાણ થતાની સાથે જ એટીએમ થોડા સમય માટે બંધ કરી દેવાયું હતું અને ટેક્નિકલ ખામીને સુધારીને ફરી એટીએમ શરૂ કરાયું હતું.
બાદ બેન્ક દ્વારા ૨૦ લોકોનો સંપર્ક કરતા ૮ લોકોએ પરત કર્યા હતાં અને અન્ય ૧૨ લોકોએ કહ્યું હતું કે, અમે રૂપિયા વાપરી નાંખ્યા છે. બેન્ક ઓફ બરોડાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘જે લોકોએ રૂપિયા ઉપાડ્યા છે તેમના તેઓ સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે. ૨૦માંથી ૮ લોકો દ્વારા રૂપિયા પરત કરી દેવામાં આવ્યા છે. પરંતુ બાકીના લોકો દ્વારા રૂપિયા આપવામાં આવ્યા નથી. પહેલા તેમને સમજાવવામાં આવશે. તેમ છતાં રૂપિયા પરત નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ બેન્ક દ્વારા તૈયારી શરૂ કરાઈ છે.
એટીએમમાં ૧૦૦, ૫૦૦, ૨૦૦૦ની નોટો મુકવા માટે અલગ અલગ રેક એટલે કે બીન હોય છે. રૂપિયા ફિલઅપ ?વખતે ભૂલથી ૧૦૦ની નોટના બીનની જગ્યાએ ૫૦૦ની નોટનું અને ૫૦૦ની નોટના બીનની જગ્યાએ ૧૦૦નું બીન મુકાતા ખામી સર્જાઈ હતી. ડિજીએમ સી.સેલ્વારાજૂએ કહ્યું હતું કે, ‘ટેક્નિકલ ખામીથી આ સમસ્યા થઈ હતી. ૨૦ લોકો દ્વારા રૂપિયા ઉપાડ્યા હતાં, જેમાંથી ૮ લોકોએ પરત આપી દિધા છે. અન્ય લોકોને સમજાવીને તેમની પાસેથી વધારાને જે રૂપિયા છે તે પરત લેવામાં આવશે.’
Recent Comments