વિશ્વ મહિલા દિવસ ત્યારે વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસીલ કરનારી મહિલાઓનું આજના દિવસે સન્માન કરવામાં આવે છે. નવસારી જિલ્લાના બીલીમોરા પાસે આવેલા તલોધ ગામમાં છેલ્લા નવ વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા નીતા પટેલની કામગીરીથી સમગ્ર ગ્રામજનો પ્રભાવિત થયા છે. સામાન્ય રીતે આચાર્ય શાળામાં વ્યવસ્થાપન અને શિક્ષણકાર્ય સારી રીતે ચાલે તેનું દેખરેખ રાખતા હોય છે, પરંતુ નીતા પટેલ આ તમામ કામગીરીથી ઉપર ઉઠીને વિદ્યાર્થીઓમાં જીવનમાં પાયા ગુણો તેમને શીખવા મળે તેવા ઉદ્દેશથી જાતે જ વર્ષોથી કોઈપણ છોછ વગર શાળામાં જાતે સમગ્ર પરિસર અને ટોયલેટ સહિત વર્ગમાં સાફ-સફાઈ કરે છે અને વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.
નીતા પટેલ આમ તો શિક્ષક તરીકે ૧૯ વર્ષની કારકિર્દી ધરાવે છે જેમાં તેઓ છેલ્લા નવ વર્ષથી તલોધ ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. શરૂઆતમાં બાળકો શિક્ષણમાં નબળા જણાતા તેને દત્તક લે છે અને સમગ્ર વર્ષ દરમિયાન આ વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન આપીને તેમનું વાંચન-લેખન અને ગણન મજબૂત બને તેવા પ્રયાસો હાથ ધરે છે. જેથી બાળકોમાં પણ શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવી હતી અને તેઓ પણ દરેક બાબતમાં કુશળ બન્યા હતા. આચાર્ય શિક્ષણ આપવા સુધી સીમિત નથી રહ્યા તલોધ ગામમાં મોટા ભાગનો વાલીઓનો વર્ગ શ્રમિક છે, જેથી લોકડાઉન વખતે ૫૦૦ જેટલી અનાજની કીટ બનાવીને તેમણે ગામમાં વહેચી હતી. આ ઉપરાંત એક વિદ્યાર્થીનીને ઓનલાઈન શિક્ષણ મેળવવા મુશ્કેલી આવતાં સ્વખર્ચે મોબાઈલ ખરીદીને તેને આપ્યો હતો. આ સમગ્ર સહાયમાં અન્ય શિક્ષકો પણ આચાર્યને આર્થિક રીતે મદદરૂપ થયા છે.
આજે શહેરોમાં હાઈ ફાઈ ઇમારતોમાં શિક્ષણકાર્ય ધમધમે છે ત્યારે ગ્રામ્ય કક્ષાએ મહિલા આચાર્ય દ્વારા બાળકોમાં સ્વચ્છતાનો અભિગમ બાળપણથી જ વિકસે તેવા પ્રયાસો હાથ ધર્યા છે. જેના ફળ સ્વરૂપે બાળકો ઘરે જઈને પણ માતા-પિતાને સ્વચ્છતા અભિયાનમાં મદદરૂપ થાય છે. ગામના સરપંચ લઈને વાલીઓ પણ મહિલા આચાર્યની સકારાત્મક કામગીરીથી પ્રભાવિત થયા છે. એક શિક્ષક જ્યારે પોતાના ફરજથી ઉપર ઉઠી ભવિષ્યના નાગરિકો એવા વિદ્યાર્થીઓને પાયાનું શિક્ષણ સાથે વ્યવહારુ જ્ઞાન પણ આપે છે ત્યારે એવી શાળાના બાળકો ઉત્કૃષ્ટ નાગરિકો અને સમાજમાં પોતાનું પ્રદાન આપનારા શ્રેષ્ઠ નાગરિકો બને છે.
Recent Comments