બી.એસ.યેદિયુરપ્પાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીથી માણ્યો પ્રાકૃતિક સૌંદર્યનો નજારો
રાજપીપળા ગાંધીનગર ખાતે મંત્રીમંડળની યોજાનાર શપથવિધીમાં હાજરી આપવા માટે આવેલા કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પા પોતાની ટીમ સાથે એક દિવસ વહેલા આવીને નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગરમાં સરદાર સાહેબની વિશ્વની વિરાટતમ પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. કર્ણાટકના મુખ્ય મંત્રી બી.એસ યેદિયુરપ્પા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવી પહોંચતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડ મયુરસિંહ રાઉલે સંસ્કૃત ભાષામાં સ્વાગત કર્યુ હતુ. સમગ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટીની માહિતી પુરી પાડી અને સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી ખાતેથી લોકમાતા નર્મદા તથા વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાના દર્શન સાથે પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણ્યો હતો. ત્યારબાદ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાને પુષ્પાર્પણ નત મસ્તકે ભાવવંદના કરી હતી. મુખ્ય મંત્રી યેદિયુરપ્પાએ પોતાના પ્રતિભાવો મુલાકાત પોથીમાં નોંધતા જણાવ્યુ હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીજીની પરીકલ્પનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ ખુબ ઓછા સમયમાં થયુ છે, તે જાણીને હું અભિભુત થયો છું. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમુનો છે. ભારત દેશને જાેડવામાં સરદાર પટેલ સાહેબે અમુલ્ય યોગદાન આપ્યુ છે અને આ પ્રતિમાના નિર્માણ થકી તેમના કાર્યોને આવનારી પેઢી યાદ રાખશે.
પ્રતિમાની વિશાળતા જાેઇને હું સ્તબ્ધ છું અને અદભુત પ્રતિમાના નિર્માણ બદલ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીને અભિનંદન આપું છું. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આ સમગ્ર પ્રોજેક્ટ તેમજ વિશ્વની અન્ય વિરાટ પ્રતિમાઓની સરખામણીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિરાટત્વની ઝીણવટભરી જાણકારી પુરી પાડી હતી. તેમજ એસઓયુ ઓથોરિટીના નાયબ કલેકટર શિવમ બારીયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અને કોફીટેબલ બુક ભેટ આપી હતી.
Recent Comments