બી.યુ.પરમીશન નહી લેનાર વધુ ૬ હોસ્પિટલને ભાવનગર મનપાએ નોટીસ ફટકારી
ભાવનગર શહેરની ૮ હોસ્પિટલને ગત શનિવારે બિલ્ડીંગ યુઝ પરમીશન (કમ્પ્લીશન સર્ટિફિકેટ)ના મામલે મહાપાલિકાના ટાઉન ડેલવપમેન્ટ વિભાગે નોટીસ ફટકારી હતી અને આજે સોમવારે વધુ ૬ હોસ્પિટલને નોટીસ ફટકારવામાં આવતા ફફડાટ મચી જવા પામેલ છે, જેમાં આકાશદીપ કોમ્પ્લેક્ષમાં આવેલ મંગલમ બાળકોની હોસ્પિટલ, નિલમબાગ સર્કલ પાસે આવેલ કે.પી.હોસ્પિટલ, કાળુભા રોડ પર આવેલ અંધઉદ્યોગ શાળા, જીએસટી ભવનની પાસે વળીયા મેટરનિટી એન્ડ યુરોલોજી હોસ્પિટલ, કાળીયાબીડમાં વિરાણી સર્કલ પાસે રેન્બો વિમન્સ હોસ્પિટલ, કાળાનાળાના સ્ટર્લિગ કોમ્પ્લેક્ષમાં આવેલ ઝીકરા મેટર્નીટી હોમ વગેરેનો સમાવેશ થાય છે.
બી.યુ.પરમીશન મેળવી નથી તેથી મહાપાલિકા વધુ ૬ હોસ્પિટલને પાંચ દિવસ બાદ સીલ મારશે તેવી નોટીસ હોસ્પિટલની દિવાલ પર લગાવેલ છે અને આ બાબતે દર્દીઓને પણ નોંધ લેવા મહાપાલિકાએ જણાવેલ છે. મહાપાલિકાએ લાલ આંખ કરતા બી.યુ.પરમીશન નથી મેળવી તે લોકોમાં ગભરાટ ફેલાયો હોવાનુ ચર્ચાય રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, મહાપાલિકાએ અગાઉ બી.યુ.પરમીશન લેવા વારંવાર જણાવેલ છે પરંતુ તેમ છતા ઘણા લોકો દ્વારા નિયમનુ પાલન કરવામાં આવતુ નથી ત્યારે મહાપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે. બે દિવસમાં મનપાએ કુલ ૧૪ હોસ્પિટલને નોટીસ ફટકારી છે.
Recent Comments