fbpx
ગુજરાત

“બેટી બચાઓ બેટી પઢાઓ” હેઠળ વિવિધ રાજ્યોમાં થયેલા શ્રેષ્ઠ પ્રયાસોના આદાન-પ્રદાન માટે બે દિવસીય નેશનલ કોન્ક્‌લેવનું આયોજન

ગાંધીનગર ના ગિફ્ટ સિટી ખાતે “બેટી બચાઓ બેટી પઢાઓ યોજના” હેઠળ વિવિધ રાજ્યોમાં થયેલા શ્રેષ્ઠ પ્રયાસોના આદાન-પ્રદાન માટે બે દિવસીય નેશનલ કોન્ક્‌લેવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના મહિલા કલ્યાણ-મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ યુનિસેફના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ નેશનલ કોન્કલેવમાં વિવિધ રાજ્યોના સચિવો અને અધિકારીઓ તેમના રાજ્યમાં “બેટી બચાઓ બેટી પઢાઓ” માટે થયેલા શ્રેષ્ઠ પ્રયાસો, અમલીકરણ ડિઝાઈન, પડકારો, સીમાચિહ્નો અને આંતરિક મૂલ્યાંકન પદ્ધતિઓ અંગે પોતાના વિચારો રજૂ કરશે.
નેશનલ કોન્ક્‌લેવનો શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી કે. કે. નિરાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની દીકરીઓના વિકાસ માટે શરુ કરેલા આ અભિયાન હેઠળ દરેક રાજ્યમાં મહિલા ઉત્કર્ષ માટે કેટલીક વિશેષ પહેલ કરવામાં આવી છે. આવી વિશેષ પહેલથી સૌ અવગત થાય અને બીજા રાજ્યો પણ નવતર પહેલને અપનાવે તો દેશભરની મહિલાઓનો સમાન વિકાસ થશે અને દેશના વિકાસમાં પણ મહિલાઓનું યોગદાન વધશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બેટી બચાઓ બેટી પઢાઓ યોજના હેઠળ દરેક રાજ્યમાં કેટલાક શ્રેષ્ઠ અને યુનિક કામ થયા છે, પરંતુ ઘણા રાજ્યો એક-બીજાથી અજાણ હોય છે. આવા રાજ્યો વચ્ચેના કમ્યુનીકેશન ગેપને પૂરવામાં આ કોન્ક્‌લેવ મહત્વપૂર્ણ પૂરવાર થશે. એક-બીજાથી શીખીને બધા જ રાજ્યો સાથે મળીને મહિલા વિકાસ માટે શ્રેષ્ઠ કામ કરી શકે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે મહિલા કલ્યાણ વિભાગના નિયામક પુષ્પલતાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દીકરીઓ અને મહિલાઓના વિકાસ માટે અનેકવિધ નવતર પહેલો કરવામાં આવી છે. કેટલીક વિશેષ પહેલોના ભાગરૂપે તેમના માટે નવી યોજનાઓ પણ અમલી બનાવવામાં આવી છે. જેનું મુખ્ય કારણ એ છે કે, ગુજરાતે હંમેશા સફળ પ્રયાસો, અનુભવો અને યુનિક કાર્યોમાંથી પ્રેરણા લઈને મહિલા વિકાસ માટે શ્રેષ્ઠ કામગીરી કરવાની કાર્યપદ્ધતિ અપનાવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ અવસરે યુનિસેફ ગુજરાતના ચીફ ફિલ્ડ ઓફિસર પ્રશાન્તા દાસે જણાવ્યું કે, બેટી બચાઓ બેટી પઢાઓ એક યોજના નહિ, પણ દેશમાં સમાનતા લાવવા માટેનું એક માધ્યમ છે. આ બે દિવસીય કોન્કલેવમાં શું નવું કરી શકીએ? તેના પર વિચાર કરવા તેમજ શું નવું કર્યું? તે સૌની સમક્ષ રજૂ કરવા તેમણે ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.
નેશનલ કોન્ક્‌લેવના શુભારંભ પ્રસંગે સી.આઇ.ડી ક્રાઈમ-મહિલા સેલના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ પરીક્ષિતા રાઠોડ, મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત સચિવ પી. બી. પંડ્યા, મહિલા કલ્યાણ વિભાગના ડેપ્યુટી કમિશ્નર કુમુદ યાજ્ઞિક સહિત વિવિધ રાજ્યો અને જિલ્લાના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts