બેટી બચાવો, બેટી પઢાવો યોજના હેઠળની જિલ્લા ટાસ્ક ફોર્સ કમીટીની બેઠક યોજાઇ

રાજ્યમાં દિકરીઓનું પ્રમાણ વધે અને સાથેસાથે તે ભણીગણીને આગળ આવે તેને પ્રોત્સાહન આપવાં માટે જિલ્લા સ્તરે ટાસ્ક ફોર્સ કમીટીની રચના કરવામાં આવેલી છે. આ કમીટીની બેઠક આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.
આ કમીટી જાતિ આધારિત લિંગ પરીક્ષણ અટકાવવું, દીકરીઓના અસ્તિત્વ અને સુરક્ષાને સુનિશ્ચિત કરવી અને દીકરીઓના શિક્ષણને સુનિશ્ચિત કરવાં સાથે તેને વિકાસ પ્રક્રિયામાં ભાગીદાર બનાવવાં માટે સક્રિય રીતે કાર્ય કરે છે.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ દિકરીઓની જિલ્લાની સમગ્રતયા પરિસ્થિતિ તથા તેમાં શું કરી શકાય તે માટેની સમીક્ષા હાથ ધરીને દિકરીઓને પ્રોત્સાહન મળે તે પ્રકારના પ્રયાસો હાથ ધરવાં ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
દીકરો- દીકરી એક સમાન છે તેવું સામાજિક વાતાવરણ બનાવવાં માટે તેમણે માતા-પિતા, સાસુ-સસરા અને સમાજને અસરકરતાં લોકોમાં આ અંગેની જાગૃતિ વધે તે માટે પ્રશિક્ષણ તથા જાગૃતિ લાવવાના પ્રયાસો પર ભાર મૂકવાં જણાવ્યું હતું.
આ ઉપરાંત તેમણે આ માટેની ગ્રાન્ટનો ઉપયોગ કરીને દિકરીઓ કે જે સારા ક્રમાંકે ઉત્તિર્ણ થઇ છે તેને પ્રોત્સાહક રકમનું ઇનામ આપીને આ માટેનું સકારાત્મક વાતાવરણ બનાવવાં માટે અપીલ કરી હતી.
કલેક્ટરશ્રીએ સખી વન સ્ટોપ સેન્ટર કઇ રીતે કાર્ય કરે છે અને તેમાં મદદ માટે આવતાં કેસોમાં કઇ રીતે ઉપયોગી બનાય છે તે અંગેની ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા અને મદદનીશ એસ.પી. શ્રી સફીન હસને ઉપયોગી સૂચનો કર્યા હતાં.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી કે.વી.કાતરીયાએ ગત વર્ષે થયેલ કામગીરી અને ચાલુ વર્ષે કરવામાં આવનાર કામગીરી તથા વિકાસશીલ કાર્યોની રૂપરેખા ટાસ્ક ફોર્સ સમિતિ સમક્ષ રજૂ કરી હતી. આ બેઠકમાં જિલ્લા મહિલા અને બાળ સુરક્ષા વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ટાસ્ક ફોર્સ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments