ગુજરાત

બેન્ક મેનેજર અને એજન્ટ દ્વારા ફોટોગ્રાફર સાથે છેતરપિંડી

આણંદમાં લાંભવેલ તરફ આવેલી એક રાષ્ટ્રીયકૃત બેન્કના મેનેજર અને બેંકમાં લોન માટે કામ કરતાં કહેવાતા એજન્ટે આણંદના ફોટોગ્રાફર સાથે છેતરપિંડી આચરી છે. આ અરજી તેઓએ જિલ્લા પોલીસ વડાને કરી છે. સમગ્ર મામલે ફોટોગ્રાફર ભાવેશકુમાર દિનેશચંદ્ર પંચાલે જિલ્લા પોલીસ વડાને આપેલી લેખિત રજૂઆતમાં બેંક મેનેજર અને લોનના એજન્ટ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, લાંભવેલ તરફ આવેલી જાણીતી રાષ્ટ્રીયકૃત બેન્કના મેનેજર અને કહેવાતા એજન્ટે તેમની સાથે છેતરપિંડી કરી હતી. જેમાં વર્ષ ૨૦૧૯માં તેમને સ્ટુડિયો બનાવવો હોય અને કેમેરો લાવવો હોય તેમણે લોન લેવા માટે બેન્કમાં અરજી કરી હતી.

એજન્ટે પોતાના નામના ક્વોટેશન બનાવી દઈ ડ્રાફટ મેળવી લીધો હતો. અને ડ્રાફટની રકમ એજન્ટે તેના જ ખાતામાં જમા કરાવી લીધી હતી. બીજી તરફ તેમને બારોબાર તેમના પર્સનલ ખાતામાંથી લોનની રકમ ફાળવી હતી. જાેકે, તેમણે અરજી સાત લાખ માટે કરી હતી પરંતુ તેઓએ માત્ર રૂપિયા સાડા ત્રણ લાખ જ ફાળવ્યા હોવાનું અરજીમાં તેમણે જણાવ્યું છે. ભાવેશકુમાર જ્યારે એજન્ટને મળ્યા ત્યારે તેણે મકાનનો દસ્તાવેજ બેંકમાં આપવો પડશે તેમ કહ્યું હતું.

પરંતુ ભાવેશકુમારે મુદ્રા લોનમાં મકાનનો દસ્તાવેજ મોર્ગેજ કરવો પડે તેવું કશું હોતું નથી તેમ કહ્યું હતું. એ સમયે સિક્યોરીટી પેટે આપવાનો હોય છે તેમ કહી તેમની પાસેથી ઓરિજનલ દસ્તાવેજ પણ લઈ લીધો હતો. એજન્ટની બેંકના મેનેજર સાથે મિલીભગત છે. તેઓ દ્વારા જ ડોક્યુમેન્ટસ લઈ લીધા બાદ ડુપ્લીકેટ ક્વોટેશન તૈયાર કરી પોતાના નામના ડ્રાફટ બનાવી દેવાય છે અને સરકાર દ્વારા આપવામાં આવતી સબસીડી અને બાકીની રકમ તેઓ દ્વારા પચાવી પાડવામાં આવે છે. આ પ્રકારે અત્યાર સુધીમાં કુલ ૪૫ જણાં છેતરપિંડીનો ભોગ બન્યા છે.

Related Posts