બે વર્ષમાં જપ્ત કરેલ વાહનોમાં ૬ હજારથી વધુ વાહનો કોઈ છોડાવવા ન આવ્યું
કોરોના કાળમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓના વાહનો પોલીસ દ્વારા મોટી સંખ્યામાં જપ્ત કરવામાં આવ્યા હતા. માત્ર અમદાવાદ શહેરમાં જ પોલીસે છેલ્લા બે વર્ષમાં ૮૩,૮૮૪ વાહનો જપ્ત કર્યા હતા, જેમાંથી ૬,૫૪૧ હજુ સુધી કોઈ છોડાવવા નથી આવ્યું. વિધાનસભાના ચાલુ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા પૂછાયેલા સવાલમાં સરકારે માહિતી આપી હતી કે, વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧માં અમદાવાદ શહેર પોલીસે રોજના સરેરાશ ૧૦૯ વાહનો જપ્ત કર્યા હતા. સરકારી આંકડા અનુસાર, જપ્ત કરાયેલા વાહનોના માલિકો પાસેથી ૧૧.૦૨ કરોડ રુપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
૨૦૨૦માં જે વાહનોને જપ્ત કરાયા હતા તેમને છોડાવવા તેમના માલિકોએ સરેરાશ ૧૪૨૫ રુપિયા દંડ ભરવો પડ્યો હતો. આ વર્ષમાં ૬૨,૯૯૩ વાહનો જપ્ત કરાયા હતા, જેમાંથી ૪,૦૩૪ હજુય બિનવારસી હાલતમાં પોલીસ સ્ટેશનોમાં પડ્યા છે. ૨૦૨૧માં પોલીસે ૨૦,૮૯૧ વાહનો જપ્ત કર્યા હતાં, જેમાંથી ૨,૫૦૭ વાહનો હજુય કોઈ છોડાવવા નથી આવ્યું. પોલીસ સ્ટેશનમાં જાે વાહન કેટલાક મહિના સુધી પડ્યું રહે તો પણ તેને છોડાવવા ઉપરાંત રિપેર કરાવવાનો ખર્ચો ૨૫થી ૫૦ હજાર રુપિયા જેટલો આવતો હોય છે. તેવામાં ઘણા વાહન માલિકો તેને છોડાવવાનું જ માંડી વાળે છે. બિનવારસી પડેલા મોટાભાગના વાહનો ટુ વ્હીલર અને રિક્ષા હોય છે, જ્યારે અમુક કિસ્સામાં ગાડીઓ પણ કોઈ છોડાવવા નથી આવતું. ઘણા વાહનો એવા પણ છે કે જેને સેકન્ડ હેન્ડ ખરીદવામાં આવ્યા હોય, પરંતુ તેની માલિકી ટ્રાન્સફર ના કરાઈ હોય.
ઘણા કિસ્સામાં વાહનના મૂળ માલિકનો અતોપતો ના હોવાથી તેને છોડાવવું મુશ્કેલ બની જાય છે. તો કેટલાક મામલામાં વાહન માલિક પાસે પીયુસી, આરટીઓની રસીદ તેમજ આરસી બુક ના હોવાના કારણે તેને છોડાવી નથી શકાતા. વાહન જાે જૂનું હોય તો ઘણીવાર તેને છોડાવવા માટે દંડની જેટલી રકમ ભરવાની આવે તે વાહનની કિંમત કરતાં પણ વધી જતી હોવાથી પણ લોકો તેના માટે તૈયાર નથી થતા.
Recent Comments