ભાવનગર

બે વર્ષમાં ભાવનગર જિલ્લાના ૩૫૦ થી વધારે ગામડાઓમાં કુલ ૧,૭૮,૨૮૨ પશુઓને સારવાર આપવામાં આવી

જે રીતે માનવો માટે રાજ્યમાં ૧૦૮ ની સેવા સંજીવની બની છે. તેવી જ રીતે અબોલ પશુઓ માટે ૧૯૬૨ ની સેવા સંજીવની બની છે. ૧૯૬૨ ની સેવા ૨ વર્ષ પહેલાં ભાવનગરમાં શરૂ કરવામાં આવી હતી. ૧૦ ગામ દિઠ ફરતાં પશુ દવાખાનાને આજે બે વર્ષ પૂર્ણ થતાં આજેરોજ તેની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

અબોલ પશુઓ માટેની બોલતી એવી આ સેવાને ચાલું વર્ષે ૨૨ મી જૂન, ૨૦૨૨ ના રોજ ૨ વર્ષ પૂર્ણ થયાં છે. ત્યારે જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. સંસ્થામાં કાર્યરત પશુ ચિકિત્સકો દ્વારા કલેક્ટર કચેરી, ભાવનગર ખાતે તેની ઉજવણી કરવામાં આવી હતી.

જે અંતર્ગત આજરોજ અધિક નિવાસી કલેક્ટરશ્રી બી. જે પટેલે તથા જિલ્લા પશુપાલન અધિકારી ભાવનગર, ૧૦૮ અને ૧૯૬૨ ના જિલ્લા પ્રોગ્રામ મેનેજર તથા જિલ્લા અધિકારીઓ તેમજ કર્મચારીઓની ઉપસ્થિતિમાં કેક કટીંગ કરીને  આજના દિવસની ઉજવણીને ખાસ બનાવી હતી.

તેમજ આજના આ ખાસ દિવસ પર અધિક નિવાસી કલેક્ટરશ્રી તથા જિલ્લા પશુપાલન અધિકારી, ભાવનગર દ્વારા શુભેચ્છા આપી શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કર્યું હતું.

નિવાસી અધિક કલેક્ટરશ્રીએ અબોલ જીવોની ચીવટથી કાળજી તેમજ સારસંભાળ માટેની કામગીરી વધારે કપરી છે તેમ જણાવી કહ્યું કે, બોલતાં માનવીને તો પુછીને સમજી શકાય કે તેમને શું થાય છે. પરંતુ આ અબોલ જીવો તો ભાષા અને વાચા વગરના છે ત્યારે તેમના હાલચાલ, તેમની સંવેદના ઓળખીને તેમના રોગ વિશેની જાણકારી મેળવવી એ વધુ કપરું કાર્ય છે.

પશુપાલન ખાતાના કર્મયોગીઓએ આ કાર્ય સારી રીતે કરી જાણ્યું છે તે માટે તેમને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અભિનંદન પાઠવી વધારે સારી કામગીરી કરવાં માટે ઉત્સાહ વધાર્યો અને તમામ પશુ ચિકિત્સકો અને એમની ટીમને વધારેમાં વધારે સારું કાર્ય કરે અને અબોલ જીવોની સારી રીતે સેવા પૂરી પાડે તેવી શુભેચ્છા પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે, હાલમાં ભાવનગર જિલ્લામાં ૧૦ ગામ દિઠ ફરતા કુલ ૨૫ પશુ દવાખાના કાર્યરત છે તેમજ શહેરી વિસ્તાર માટે એક ૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ પણ કાર્યરત છે.

છેલ્લાં બે વર્ષ દરમિયાન જિલ્લાના કુલ ૨૫ ફરતાં પશુ દવાખાના દ્વારા કુલ ૩૫૦ થી વધારે ગામડાઓમાં આ સેવા પૂરી પાડવામાં આવી છે. તેમજ અત્યાર સુધીમાં કુલ ૧,૭૮,૨૮૨ પશુઓને ગામની રૂબરૂ મુલાકાત લઇને સારવાર આપવામાં આવી છે.

તેમજ અત્યાર સુધીમાં કુલ ૧૦,૨૭૬ જેટલા ઈમરજન્સી કેસમાં તાત્કાલિક સમયસર સારવાર આપી અબોલ પશુ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યાં છે.  રાજ્ય સરકારની આ સેવાથી અનેક પશુપાલકોના અબોલ જીવોનું અમૂલ્ય જીવન બચાવી શકાયું છે. દૂધાળા પશુઓના રક્ષણથી દૂધના વેચાણને ટકાવી રાખી શકાયું છે જેનો મોટો લાભ પશુપાલકોને આર્થિક રીતે સાંપડ્યો છે. આ અવસરે ૧૦૮ સેવાના જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરશ્રી ડો. તાલીબ હુસેન, પશુપાલન વિભાગનાશ્રી અમાનતઅલી નકવી, તથા ૧૦૮, ૧૦૬૨ સેવાના અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

Follow Me:

Related Posts