fbpx
સૌરાષ્ટ - કચ્છ

બોગસ સર્ટિફિકેટ મામલોઃ ખંભાળિયામાં એસઓજી પોલીસે ૨૮ લોકોએ બનાવટી સર્ટિફિકેટ બનાવ્યાનો ભેદ ઉકેલ્યો

ગુજરાત ના ખંભાળિયામાં એસઓજી પોલીસ દ્વારા ડીસેમ્બર ૨૦૨૧ માં જામનગરમાં આવેલ બેડીના એક શખ્સને શંકાસ્પદ ૧૩ સર્ટીફિકેટ સાથે ઝડપી પડ્યો હતો જેની ખરાઇ દરમિયાન મરીન તાલીમ આપતી ઇન્સ્ટીટયુટના બોગસ સર્ટીફિકેટ હોવાનુ ખુલ્યુ હતુ.આથી પોલીસે જામનગર અને બિહારમાં રહેતા શખ્સ સહિત ૫ સામે ગુનો નોંધ્યો હતો. પોલીસ તપાસમાં બોગસ સર્ટીફિકેટ કૌભાંડ આંતર જિલ્લા હોવાનુ સામે આવ્યુ છે. ૨૮ લોકોએ આવા બનાવટી સર્ટીફિકેટ બનાવડાવ્યા હોવાનુ ખુલ્યુ છે. દ્વારકાના એસપી નિતેષ પાંડેયના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમે ખંભાળિયાની એક હોટલ પાસે ગત ડીસેમ્બરમાં જુમા જુસબભાઇ મુંડરાઇ (રે. બેડી)ને ૧૩ શંકાસ્પદ સર્ટીફિકેટ સાથે દબોચી લીધો હતો.જેની ખરાઇ માટે પ્રક્રિયા હાથ ધરતા તેના વેરીફિકેશનમાં તમામ સર્ટીફિકેટ બનાવટી હોવાનુ ખુલ્યુ હતુ.

આથી ખંભાળિયા પોલીસ મથકમાં જુમા જુસબ મંડુરાઇ ઉપરાંત બેડીના અબ્દુલ આદમભાઇ મુંડરાઇ, અસગર કાસમભાઇ ચગડા, અસરફ અબ્બાસભાઇ સુરાણી અને બિહારના પટનાના અમિત સામે ગુનો નોંધ્યો હતો.જેમાં સુત્રધાર સિવાયના આરોપી પોલીસ સકંજામાં સપડાયા હતા. આરોપીઓ અલગ અલગ ઇન્સ્ટીટયુટના નામે બનાવટી સર્ટીફિકેટ બનાવ્યા હોવાનુ ખુલ્યુ હતુ જેમાં દ્વારકા ઉપરાંત જામનગર, પોરબંદર, જાફરાબાદ અને સુરત સહિતના ૨૮ લોકોએ બનાવટી સર્ટીફિકેટ બનાવી લીધા હોવાનુ ખુલ્યુ હતુ. આ પ્રકરણમાં મુખ્ય આરોપી અમિતકુમાર (રે. પટના) મારફતે તમામ બોગસ સર્ટીફિકેટ બનાવવામાં આવ્યુ હોવાનુ સામે આવ્યુ છે.પોલીસે આ પ્રકરણમાં તપાસ હાથ ધરી છે. જેના માટે રાજયના દરીયાઇ સુરક્ષાની કચેરીની પણ મદદ લેવામાં આવી રહી છે.પોલીસ તપાસમાં ૨૮ લોકોએ બનાવટી સર્ટીફિકેટ બનાવ્યાનુ ખુલ્યુ છે જેમાં દ્વારકા જિલ્લાના ઓખાના ૨, સલાયાના ૧, પોરબંદરના ૬, જામનગરના ૧૩, જાફરાબાદના ૪, સુરતના ૨ લોકોનો સમાવેશ થતો હોવાનુ પોલીસે જણાવ્યુ છે.અમિતે પ્રતિ સર્ટીફિકેટ દિઠ રૂ.૨૨,૫૦૦થી રૂ. ૮૦ હજાર સુધીના નાણાની બેંક મારફતે ચુકવણી કરાયાનુ સામે આવ્યુ છે.

Follow Me:

Related Posts