બોચાસણમાં ગૌરક્ષકોએ બોલેરો પીકઅપ રોકી લઈ જવાઈ રહેલા ત્રણ પશુઓને મુક્ત કરાવ્યા
બોરસદના ગૌરક્ષકની ટીમે બોચાસણ પાસે રોકેલી બોલેરો પીકઅપ ગાડીમાં તપાસ કરતાં ત્રણ પશુ ક્રૂરતાપૂર્વક બાંધેલા મળી આવ્યાં હતાં. જેથી ચાલકને પકડી પોલીસને હવાલે કર્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી દોઢેક લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બોરસદ શહેરમાં રહેતા દક્ષેશકુમાર રમેશભાઈ ઠાકોર છેલ્લા બે વર્ષથી જીવદયા ગૌરક્ષા દળ સમિતિમાં સેવા કરે છે અને ગૌરક્ષા દળમાં ઉપપ્રમુખ છે. તેમને રાત્રે માહિતી મળી હતી કે, મહિન્દ્રા પીકઅપ ગાડીમાં ગેરકાયદેસર વગર પાસ પરમીટે ત્રણ પશુને લઇ જઇ રહ્યા છે અને તેઓ બોરસદ – તારાપુર રોડ પરથી પસાર થઇ રહ્યા છે.
આથી, દક્ષેશકુમાર તેમના કેટલાક મિત્રો સાથે બોચાસણ ટોલ નાકા પર વોચ ગોઠવી હતી. આ સમયે સફેદ કલરની ગાડી આવતા તેને રોકી હતી અને તપાસ કરતાં ગાડીમાં ત્રણ પશુ ખીચોખીચ ભર્યાં હતાં. તેમાં કોઇ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા કરી નહતી. કોઇ હવા ઉજાસ પણ ન હતો. આમ, અતિક્રૂરતાપૂર્વક બાંધી કતલખાને લઇ જતાં હોવાની શંકા જતાં તેના ચાલકને રોકી પુછપરછ કરી હતી. જેમાં તે સાજીદ ઇસ્માઇલ સર્વોદી (કુરેશી) (રહે. બોટાદ) હોવાનું જણાવ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરી હતી અને સાજીદ ઇસ્માઇલ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments